વડોદરા શહેર પોલીસ અને MS યુનિવર્સિટી વચ્ચે શિક્ષણને લઈ કરાયા MOU
- વિદ્યાર્થીઓ સાયબર એક્સપર્ટ બને તે માટેનો પ્રયાસ,
- સાયબર કોર્ડિનેશન-નોલેજ શેરિંગને લઇને MOU
- વિદ્યાર્થીઓને સાયબર ક્રાઈમ સામે લડત અંગે માર્ગદર્શન અપાશે
વડોદરાઃ શહેરની એમ.એસ. યુનિવર્સિટીના વિદ્યાર્થીઓ સાયબર એક્સપર્ટ બને તે માટે યુનિવર્સિટીએ શહેર પોલીસ સાથે MOU કર્યા છે. યુનિવર્સિટીના BBA બિલ્ડીંગ ખાતે આવેલા દીપ ઓડિટોરીયમ ખાતે શહેર પોલીસ અને એમ.એસ. યુનિવર્સિટી વચ્ચે સાયબર કોર્ડિનેશન અને નોલેજ શેરિંગને લઇને MOU કરવામાં આવ્યા છે. જેમાં વડોદરા શહેર પોલીસના સાયબર એક્સપર્ટ અધિકારીઓ એમ.એસ. યુનિવર્સિટીના વિદ્યાર્થીઓને સાયબર ક્રાઇમ અંગે સમજણ આપશે અને તેનાથી વિદ્યાર્થીઓ પણ સાયબર એક્સપર્ટ બને તે દિશામાં પ્રયાસ કરાશે.
આ પ્રસંગે વડોદરા શહેર પોલીસ કમિશનર નરસિંમ્હા કોમારે જણાવ્યું હતું કે, પોલીસ વિભાગને વિદ્યાર્થીની આ સ્પેશ્યલાઈઝ્ડ સ્કીલ કામ લાગશે. ગુનાઓની મોડસ ઓપરેન્ડી સહિતની વિગતો યુનિવર્સિટીના વિદ્યાર્થીઓ માટે શેર કરીશું. આ બંને એજન્સીઓને લાભ થાય તે માટેનો પ્રયાસ છે. જેનાથી મને વિશ્વાસ છે કે, સારું રિઝલ્ટ મળશે.
એમ.એસ. યુનિવર્સિટીના વાઇસ ચાન્સેલર પ્રો. વિજય શ્રીવાસ્તવે આ પ્રસંગે જણાવ્યું હતું કે, શહેર પોલીસ અને એમ.એસ. યુનિવર્સિટી વચ્ચે MOU સાઇન થયો છે. જે સાયબર સિક્યોરિટીની દિશામાં મહત્વનું પગલુ છે. આ MOUનો ઉદ્દેશ એ છે કે, એમ.એસ. યુનિવર્સિટીમાં 55 હજાર વિદ્યાર્થીઓ અભ્યાસ કરે છે. અત્યારે રોજ સાયબર ક્રાઇમ થાય છે. અમારા ટેકનોલોજી ફેકલ્ટી, આઇ.ટી .અને ઇલેક્ટ્રોનિક્સના વિદ્યાર્થીને કેવી રીતે સાયબર ક્રાઇમના એક્સપર્ટ કેવી રીતે બનાવી શકાય? આ દિશામાં આ એક પહેલ છે.
તેમણે વધુમાં જણાવ્યું હતું કે, વડોદરા પોલીસના સૌજન્યથી આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. આવનારા સમયમાં અમારા વિદ્યાર્થીઓ કોરોના વોરિયર્સની જેમ સાયબર વોરિયર્સ હશે. આ વિદ્યાર્થીઓ સાયબર ક્રાઇમ રોકવામાં મદદરુપ થશે. જ્યારે સાયન્સ અને ટેક્નોલોજી આગળ વધે છે, ત્યારે તેના દુષ્પરીણામ હોય છે. આ સાયબર ક્રાઇમ પણ તેનું દુષ્પરીણામ છે. ભારત અને ગુજરાત સરકાર તેને રોકવા માટે સંપૂર્ણ કદમ ઉઠાવી રહી છે. તમે આવનારા સમયમાં જોશો કે, એમ.એસ. યુનિવર્સિટીનું પણ સાયબર ક્રાઇમ પ્રિવેન્શનમાં મહત્વપૂર્ણ યોગદાન રહેશે.