અમદાવાદ-મુંબઈ નેશનલ હાઈવે પર વડાદરા પાસે 15 કીમી ટ્રાફિક જામથી વાહનચાલકો પરેશાન
- વડોદરા પાસે હાઈવે પર ખાડાઓને લીધે સતત ત્રીજા દિવસે પણ ટ્રાફિક જામ,
- 5 કલાકથી ટ્રાફિકમાં ફસાયેલા વાહનચાલકોએ તંત્ર સામે રોષ વ્યક્ત કર્યો,
- સરકાર ટોલ વસુલે છે, પણ હાઈવે પર પડેલા ખાડાં પૂરાતા નથી
અમદાવાદઃ મુંબઈ-અમદાવાદ હાઇવે પર વડોદરા નજીક છેલ્લા ત્રણ દિવસથી સતત સર્જાતા ટ્રાફિક જામને લીધે વાહનચાલકો ત્રાહીમામ પોકારી ગયા છે. આજે સોમવારે પણ વહેલી સવારથી વડોદરાના જાંબુવાબ્રિજથી લઈને પુનિયાદ ગામ સુધી ટ્રાફિકજામ થતાં વાહનોના થપ્પા લાગ્યા હતા. 15 કિલો મીટર લાંબા ટ્રાફિકજામથી વાહનચાલકો 5 કલાક ટ્રાફિકજામમાં ફસાયા હતા. જાબુંઆ બ્રિજ પર મોટા ખાડાઓ તેમજ હાઈવે પર પડેલા ખાડાઓને લીધે ટ્રાફિકજામ સર્જાય રહ્યો છે. હાઈવે પર રોજબરોજ કરોડો રૂપિયાનો ટોલ ટેક્સ વસુલવામાં આવતો હોવા છતાંયે ખાડા પૂરવામાં આવતા નથી. જિલ્લા કલેકટરે પણ હાઈવે ઓથોરિટીને સુચના આપી હોવા છતાંયે હાઈવે ઓથોરિટીના અધિકારીઓ કોઈને ય ગાંઠતા નથી.
અમદાવાદ-મુંબઈ નેશનલ હાઈવે પર વડોદરા નજીક આજે સોમવારે સતત ત્રીજા દિવસે પણ ટ્રાફિકજામ થયો છે. મુંબઈથી અમદાવાદ જતા નેશનલ હાઈવે પર વડોદરા નજીક 15 કિલોમીટર લાંબો ટ્રાફિકજામ સર્જાયો છે. વાહનચાલકો 5-5 કલાક સુધી ટ્રાફિકમાં ફસાયેલા રહેતાં પરેશાન થઈ ગયા છે. જાંબુવાબ્રિજથી લઈને પુનિયાદ ગામ સુધી ટ્રાફિકજામ થતાં વાહનોના થપ્પા લાગ્યા હતા. જાંબુઆ બ્રિજ પર મસમોટા ખાડા પડી જતાં ટ્રાફિકજામની સમસ્યા સર્જાઈ રહી છે, જોકે આ ખાડાઓને પૂરવાની કામગીરી હજુ સુધી શરૂ થઈ નથી. વાહનચાલકોએ આક્રોશ સાથે જણાવ્યું હતું કે સરકાર ટોલટેક્સ વસૂલ કરે છે, પણ સારા રસ્તા આપતી નથી. હાઈવે ઓથોરિટીના જવાબદાર અધિકારીઓ સામે પગલાં લેવાની માગ ઊઠી છે.
મુંબઈ અમદાવાદ નેશનલ હાઇવે નંબર 48 પર ગઈકાલે પણ 10 કિલોમીટર લાંબો ટ્રાફિકજામ થયો હતો અને આજે પણ બીજા દિવસે 15 કિલોમીટર ટ્રાફિકજામ થયો છે, જેને કારણે વાહનચાલકો પરેશાન થઈ ગયા છે. લોકો કલાકોથી ટ્રાફિકમાં ફસાયેલા હોવાથી ભારે આક્રોશ જોવા મળી રહ્યો છે. કાર અને બસમાં પ્રવાસ કરતા નાનાં-નાનાં બાળકો ભૂખ્યાં-તરસ્યાં ટ્રાફિકમાં ફસાયેલાં છે. અગાઉ જાંબુવા બ્રિજ પર નવો રોડ બનાવી દેવામાં આવ્યો હતો, જોકે ફરી વરસાદ શરૂ થતાં મુંબઈથી અમદાવાદ જતા સાંકડા બ્રિજ પર મોટા-મોટા ખાડા પડી ગયા છે, જેને કારણે એક તરફ ટ્રાફિક જામ થયો છે. ઉપરાંત પોરબ્રિજ પર પણ ટ્રાફિકજામ છે.