થાનગઢમાં ધોળેશ્વર રેલ ફાટક પર ટ્રાફિક જામની સમસ્યાથી વાહનચાલકો પરેશાન
- ટ્રાફિકને ક્લીયર કરવામાં પોલીસ કે હોમગાર્ડના જવાનો હાજર રહેતા નથી
- થાનગઢના વેપારીઓએ પણ અનેક રજુઆતો કરી છે
- અન્ય એક ફાટક પર 7 વર્ષથી બ્રિજનું કામ ચાલે છે, પણ પુરૂ થતું નથી
સુરેન્દ્રનગરઃ જિલ્લાના થાનગઢમાં રેલવે ફાટક પર વારંવાર સર્જાતા ટ્રાફિક જામને લીધે વાહનચાલકો પરેશાન થઈ રહ્યા છે. થાનના ધોળેશ્વર રેલવે ફાટક બંધ થતાં જ બન્ને બાજુ વાહનોની લાંબી કતારો લાગી જાય છે. અને ફાટક ખૂલતા જ વાહનો એવા ગુંચવાઈ જાય છે. કે, કલાકો સુધી ટ્રાફિક જામમાં ફસાય છે. અહીં ટ્રાફિકના નિયમન માટે પોલીસ કે હોમગાર્ડના જવાનો જોવા મળતા નથી. આ સમસ્યાને ઉકેલવા વેપારીઓએ રજુઆત કરી છે.
થાનગઢ નગરપાલિકા વિસ્તારમાં બે રેલવે ફાટક આવેલા છે. એક રેલવે ફાટક ઉપર છેલ્લા 7 વર્ષથી પણ વધારે સમયથી ગોકળગતિએ ઓવર બ્રિજનું કામ ચાલી રહ્યુ છે. ત્યારે થાનગઢના 50,000ની વસ્તી માટે રસ્તા માટે એક જ વિકલ્પ છે. અને તે છે ધોળેશ્વર ફાટા નં 73. આ ફાટક પર પ્રતિદિન 48 થી પણ વધારે ટ્રેનો પસાર થાય છે. દર 30 મિનિટે એક ટ્રેન નીકળે છે. ટ્રેન ફાટક બંધ થયા પછી ફાટક 10 થી 15 મિનિટ ફાટક બંધ રહે છે. ફાટક બંધ રહેવાથી બંને બાજુ ટ્રાફિકજામ થઈ જાય છે. ધોળેશ્વર ફાટક ઉપર રોજ 4 થી 5 લાખ માણસો આ ફાટક ઉપર અવરજવર કરે છે. તેમજ આ ફાટક ઉપર રોજના 500થી પણ વધારે નાનામોટા વાહનો નીકળે છે. ત્યારે આ ફાટક ઉપર બે મોટી ટ્રકો આવી જાય તો ફસાઈ જાય છે.
થાનના ધોળેશ્વરના રેલવે ફાટકના પ્રશ્ને ટ્રાફિક જામની સમસ્યા નિવારવા માટે પોલીસ જવાનોને ફરજ સોંપવા વેપારીઓએ રજુઆત કરી હતી. બે દિવસ પહેલાં જ લીંબડીના ડીવાયએસપી દ્વારા પંચાલ સીરામીકના બિલ્ડીંગમાં ઉદ્યોગપતિઓ સાથે લોક દરબાર યોજવામાં આવ્યો હતો. ત્યારે ફાટકની સમસ્યા બાબતે રજૂઆત કરવામાં આવી હતી.