પાલિતાણામાં મુખ્ય રસ્તાઓ ઉબડ-ખાબડ હોવાથી વાહનચાલકો પરેશાન
- જૈનોનું તિર્થ સ્થાન હોવાથી રોજબરોજ અનેક યાત્રાળુંઓ આવે છે
- બસસ્ટેન્ડથી તળેટી સુધી રોડ પર ઠેર ઠેર ખાડા પડી ગયા છે
- ચોમાસા પહેલા રોડને રિ કાર્પેટ કરવા તંત્રને કરાઇ રજૂઆત
પાલિતાણાઃ જૈનોના સુપ્રસિદ્ધ યાત્રાધામ પાલિતાણામાં રોજબરોજ અનેક યાત્રાળુઓ આવે છે. ત્યારે શહેરના મુખ્યમાર્ગો ઉબડ-ખાબડ હોવાથી વાહનચાલકો પરેશાન થઈ રહ્યા છે. શહેરના બસ સ્ટેશનથી તળેટી સુધી રોડ પર ઠેર ઠેર ખાડા પડ્યા છે. રાહદારીઓને ચાલવામાં પણ મુશ્કેલી પડી રહી છે. આ અંગે સ્થાનિક લોકોએ નગરપાલિકા તેમજ સંબધિત વિભાગમાં લેખિક અને મૌખિક અનેકવાર રજુઆતો કર્યા છતાંયે રોડ રિસરફેસના કામો હાથ ધરાતા નથી.
પાલિતાણા જૈનોનું યાત્રાધામ છે. દર વર્ષે લાખો યાત્રિકો આવતા હોય છે. શહેરમાં પ્રવેશ કરવા બસ સ્ટેન્ડ રોડ ઉપરથી પસાર થવું પડે છે. આ રોડ અત્યંત બિસ્માર બની ગયો છે.આ વિસ્તારમાં મોટાભાગના દવાખાનાઓ આવેલા છે. આ રોડ ઉપરથી પસાર થતાં યાત્રિકો, દર્દીઓ, વાહન ચાલકો તોબા પોકારી જાય છે. હવે ટુંક સમયમાં ચોમાસાનો આરંભ થશે ત્યારે આ રોડની કેવી હાલત હશે તે વિચારવા જેવુ હશે.
શહેરના આંબેડકર સર્કલથી બસ સ્ટેન્ડ સુધીનો માર્ગ સાવ જર્જરીત થઈ ગયેલ છે, ઠેર ઠેર રોડમાં ગાબડાઓ પડી ગયા છે. વાહન ચાલકો આ રોડ ઉપરથી પસાર થાય છે ત્યારે તોબા પોકારી જાય છે. દર્દીઓ આ રોડ ઉપરથી પસાર થાય છે ત્યારે તેમને ખૂબ જ પીડાદાયક મુશ્કેલીઓ અનુભવી પડે છે. આંબેડકર સર્કલથી બસ સ્ટેન્ડ સુધીના માર્ગને તાકીદે રી- કાર્પેટ કરવાની જરૂર છે. આ અંગે રાજ્ય સરકાર તેમજ તંત્રવાહકો સમક્ષ યાત્રિકો અને પ્રજાજનો દ્વારા વારંવાર રજૂઆતો કરવામાં આવેલ છે. આ રોડ ઉપરથી પસાર થનારાને ઊંટગાડીમાં બેઠા હોય તેવો અનુભવ થાય છે. આ ડિસ્કો અને ઉબડખાબડ રસ્તાને કારણે કેટલાયને કમરના દુખાવા થયાની વિગતો બહાર આવવા પામે છે