અમદાવાદ-મુંબઈ નેશનલ હાઈવે પર પોર નજીક ટ્રાફિક જામથી વાહનચાલકો કંટાળી ગયા
- હાઈવે પર પોર-બામણગામ વચ્ચે બે કિમી સુધી ટ્રાફિક જામ સર્જાયો,
- હાઈવે પર ઠેર ઠેર ખાડાને લીધે વાહનચાલકોને પડતી મુશ્કેલી,
- ટ્રાફિકજામના કારણે એમ્બ્યુલન્સને 2 કિ.મી. રોંગ સાઈડમાં ચલાવવી પડી
અમદાવાદઃ શહેરી વિસ્તાર જ નહીં હવે તો નેશનલ હાઈવે પર પણ ટ્રાફિકજામના દ્રશ્યો જોવા મળી રહ્યા છે. ત્યારે અમદાવાદ-મુંબઈ નેશનલ હાઇ-વે નંબર 48 પર પોર અને બામણગામ વચ્ચે ફરી એકવાર ભારે ટ્રાફિકજામ સર્જાયો હતો, જેના કારણે વાહનચાલકોને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો છે. આ ટ્રાફિકજામમાં ઇમર્જન્સી સેવા આપતી 108 એમ્બ્યુલન્સ પણ ફસાઈ ગઈ હતી, જેના કારણે એમ્બ્યુલન્સ ચાલકને રોંગ સાઈડમાં બે કિલોમીટર સુધી વાહન હંકારવું પડ્યું હતું. હાઇ-વે પર ખાડા અને રસ્તાની ખરાબ પરિસ્થિતિને કારણે વારંવાર ઉભા થતા આ ટ્રાફિકજામથી સામાન્ય લોકો સાથે ઇમર્જન્સી સેવાઓ પર પણ ગંભીર અસર થઈ રહી છે.
અમદાવાદ-મુંબઈ નેશનલ હાઈવે પર ટ્રાફિકજામની સમસ્યા હવે રોજિંદી બની છે. હાઈવે પર ઠેર ઠેર પડેલા ખાંડાને કારણે વાહનો ધીમી ગતિએ ચાલતા હોવાથી ટ્રફિકજામની સમસ્યા વિકટ બનતી જાય છે. અમદાવાદ-મુંબઈ નેશનલ હાઈવે પર પોર અને બામણગામ વચ્ચે બે કિલોમીટર સુધી ટ્રાફિકજામ સર્જાયો હતો. તેના લીધે વાહનચાલકોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો.
તાજેતરમાં જ જિલ્લા કલેકટર દ્વારા હાઇ-વે પર ટ્રાફિકજામની સ્થિતિનો તાગ મેળવી સમસ્યા નિવારવા માટે હાઈવે ઓથોરિટીને જરૂરી સૂચના આપવામાં આવી હતી. જોકે, આ વિવિધ વિભાગો સાથે બોલાવાયેલી બેઠકનું સુરસુરીયું થવા પામ્યું છે. આજે પણ હાઇ-વેના માર્ગોની દયનીય પરિસ્થિતિ છે. મોટા-મોટા ખાડાઓને કારણે વાહનો ધીમા હાંકવા વાહનચાલકો મજબૂર બની રહ્યા છે. જેના કારણે અનેક વખત ટ્રાફિકજામ થતો હોય છે.
વડોદરા નજીક હાઈ-વેની આસપાસ રહેતા લોકો ટ્રાફિકજામને લીધે ખૂબ જ મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે. વહેલી સવારે નોકરી ધંધાર્થે જતા તેમજ શાળાએ બાળકોને મૂકવા જતા લોકોને હાલાકી વેઠવી પડી રહી છે. ખાસ કરીને તો દર્દીને લેવા જવા તેમજ ઇમર્જન્સી વાહનો પણ ટ્રાફિકજામમાં ફસાઈ રહ્યા છે. સવારે પોર બામણગામ રોડ પર ભારે ટ્રાફિકજામ સર્જાતા વાહનચાલકો અટવાયા હતા. જેમાં એક ઇમર્જન્સી સેવા 108 એમ્બ્યુલન્સ પણ ફસાઈ ગઈ હતી. જેના કારણે ચાલકને રોગ સાઈડમાં બે કિલોમીટર એમ્બ્યુલન્સ ચલાવીને નિયત સ્થળે પહોંચવાની ફરજ પડી હતી.