રાજકોટના નવાગામમાં માતાએ બે માસુમ દીકરીઓ સાથે આપઘાત કર્યો
- માતાએ પોતાની બે માસુમ દીકરીઓને ગળાટુપો આપ્યા બાદ આપઘાત કર્યો,
- સામૂહિક આત્મહત્યા પાછળનું ચોક્કસ કારણ જાણવા પોલીસ તપાસ શરૂ,
- પોલીસે પતિ જયેશભાઈ સહિત સંબંધીઓના નિવેદનો લીધા
રાજકોટઃ શહેરના નવાગામમાં આવેલી શક્તિ સોસાયટીમાં એક માતાએ તેની બે માસુમ દીકરીઓને ગળે ટૂંપો આપી મોતને ઘાટ ઉતાર્યા બાદ પોતે પણ ગળાફાંસો ખાઈ આત્મહત્યા કરી લેતા સમગ્ર વિસ્તારમાં શોકની લાગણી ફેલાઇ છે. આ બનાવની જાણ થતાં જ સ્થાનિક પોલીસ સ્ટાફ તેમજ ઉચ્ચ પોલીસ અધિકારીઓએ ઘટનાસ્થળે દોડી આવી વધુ તપાસ હાથ ધરી હતી.
આ બનાવની વિગત એવી છે કે, શહેરના નવાગામમાં આવેલી શક્તિ સોસાયટીની શેરી નંબર 6માં રહેતા 32 વર્ષીય અસ્મિતાબેન જયેશભાઈ સોલંકીએ પોતાની બે દીકરી 7 વર્ષની પ્રિયાંશી અને 5 વર્ષની હર્ષિતાની નાયલોનની દોરીથી ગળાટૂંપો દઈને હત્યા કરી હતી. આ કૃત્ય કર્યા બાદ અસ્મિતાએ પણ ગળાફાંસો ખાઈ આપઘાત કરી લેતાં ત્રણેયના મૃતદેહો મળ્યા છે. એક પરિવારના ત્રણ સભ્યનાં કરુણ મોતને પગલે આસપાસના લોકોનાં ટોળાં એકઠા થઈ ગયાં હતાં અને શોકનું મોજું ફરી વળ્યું હતું. આ બનાવની જાણ થતાં પોલીસના ઉચ્ચ અધિકારીઓ સહિત કાફલો દોડી આવ્યો હતો.
પોલીસના ઉચ્ચ અધિકારીઓ ઘટનાસ્થળે પહોંચ્યા બાદ પ્રાથમિક દ્રષ્ટિએ આ મામલો હત્યા અને આપઘાતનો હોવાનું જણાયું છે. જોકે, આ સામૂહિક આત્મહત્યા પાછળનું ચોક્કસ કારણ શું છે, તે હજુ સ્પષ્ટ થયું નથી. પોલીસે મૃતદેહોને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપ્યા હતા. અને આ અંગે પતિ જયેશભાઈ સહિત સંબંધીઓના નિવેદનો લેવાની કાર્યવાહી શરૂ કરી દીધી હતી. પોલીસ દ્વારા અસ્મિતાબેન દ્વારા લખવામાં આવેલી કોઈપણ સુસાઈડ નોટ અથવા અન્ય કોઈ પુરાવા મળે છે કે કેમ, તે દિશામાં પણ તપાસ કરવામાં આવી રહી છે. એક જ પરિવારના ત્રણ સભ્યોના મૃત્યુથી નવાગામ વિસ્તારમાં ગમગીની છવાઈ ગઈ છે.
આ અંગે એસીપી રાજેશ બારીયાએ જણાવ્યું હતું કે, નવાગામ શક્તિ સોસાયટીમાં જયેશભાઇ સોલંકીના પત્ની તેમજ બાળકો સહિત ત્રણ મૃતદેહ મળી આવ્યા છે. હાલમાં આ બનાવનું કોઈ કારણ સામે આવ્યું નથી, પરંતુ પોલીસ દ્વારા બનાવનું કારણ જાણવા તપાસ કરવામાં આવી રહી છે. બનાવ સમયે પરિવારના કોઈપણ વ્યક્તિ હાજર નહીં હોવાનું પણ પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે.