જામનગરના ગાડુકા ગામે વીજળીનો કરંટ લાગતા માતા-પૂત્રના મોત
- રસોઈ બનાવતા મહિલાને કરંટ લાગતા પૂત્ર બચાવવા માટે દોડ્યો,
- બન્નેના વીજ શોકને લીધે મોત નિપજ્યા,
- પોલીસે અકસ્માતે મોતનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી
જામનગરઃ તાલુકાના ગાડુકા ગામમા ઈલેક્ટ્રિક સગડી પર રસોઈ બનાવી રહેલા મહિલાને ઈલેક્ટ્રિક શોક લાગતા તેમને બચાવવા ગયેલા તેમના પૂત્રને પણ વીજળીનો શોક લાગ્યો હતો. વીજ શોક લાગવાથી માતા પુત્ર બંનેના મૃત્યુ નિપજતાં ભારે ભારે અરેરાટી ફેલાઈ છે. માતાને વિજ શોક લાગતા તેને બચાવવા ગયેલા તેર વર્ષના પુત્રને પણ વિજ આંચકો ભરખી ગયો હતો.
આ બનાવની વિગતો એવી જાણવા મળી છે કે, . જામનગર તાલુકાના ગાડુકા ગામમાં રહેતા હંસાબા રાઠોડ નામના મહિલા ગઈકાલે રાત્રે પોતાના ઘેર ઈલેક્ટ્રીક સગડી પર રસોઈ બનાવી રહ્યા હતા, જે દરમિયાન તેમને એકાએક વીજળીનો આંચકો લાગ્યો હતો, અને ઢળી પડ્યા હતા. આ વેળાએ ઘરમાં હાજર રહેલા 13 વર્ષના પુત્ર દિવ્યરાજસિંહએ પોતાની માતાને બચાવવા માટેનો પ્રયત્ન કર્યો હતો, તેમાં તેમને પણ વીજ આંચકો લાગ્યો હતો, અને માતા-પૂત્ર બન્ને બેભાન અવસ્થામાં ઢળી પડ્યા હતા. જેઓને તાત્કાલિક અસરથી સારવાર માટે જામનગરની સરકારી જી.જી. હોસ્પિટલમાં પહોંચાડવામાં આવ્યા હતા, પરંતુ હોસ્પિટલમાં માતા-પુત્ર બંનેના મૃતદેહ જ પહોંચ્યા હતા. જેના કારણે નાના એવા ગામમાં ભારે ગમગીની ફેલાઈ હતી. બનાવની જાણ થતાં ગ્રામજનો પણ હોસ્પિટલ દોડી આવ્યા હતા. સમગ્ર મામલાની જાણ થતાં પંચકોશી એ. ડિવિઝનનો પોલીસ કાફલો ઘટના સ્થળે તેમજ જી.જી. હોસ્પિટલે દોડી ગયો હતો, અને સમગ્ર બનાવ મામલે ઊંડાણપૂર્વકની તપાસ હાથ ધરી હતી. (File photo)