અમદાવાદ શહેરમાં મચ્છરજન્ય રોગચાળો વકર્યો, ડેન્ગ્યુના 200 કેસ નોંધાયા
- વાયરલ બિમારીના ઘેર ઘેર દર્દીઓ,
- મેલેરિયા, ટાઇફોઇડ અને કમળા સહિત કેસોમાં ધરખમ વધારો,
- શહેરમાં વરસાદની વિદાય સાથે ગરમી વધતા રોગચાળો વકર્યો
અમદાવાદઃ શહેરમાં વરસાદની વિદાય ટાણે જ તાપમાનમાં આંશિક વધારો થતા બે ઋતુ અનુભવાઈ રહી છે. ત્યારે પાણીજન્ય અને મચ્છરજન્ય રોગચાળાએ માથુ ઉચક્યુ છે. શહેરમાં છેલ્લા કેટલાક દિવસોથી ડેન્ગ્યૂ, મેલેરિયા, ટાઇફોઇડ અને કમળા જેવા રોગોના કેસોમાં ધરખમ વધારો જોવા મળ્યો છે. વાયરલ બિમારી શરદી. ઉધરસ અને તાવના તો ઘેર ઘેર દર્દીઓ જોવા મળી રહ્યા છે. ખાનગી અને સરકારી દવાખાનામાં દર્દીઓની લાઈનો જોવા મળી રહી છે.
અમદાવાદ શહેરમાં છેલ્લા 13 દિવસમાં જ ડેન્ગ્યૂના 200થી વધુ કેસ નોંધાયા છે, જે પરિસ્થિતિની ગંભીરતા દર્શાવે છે. ખાસ કરીને શહેરના ગોમતીપુરા અને બહેરામપુરા જેવા વિસ્તારોમાં ડેન્ગ્યૂના કેસો વધુ જોવા મળ્યા છે. આ ઉપરાંત, શહેરના અન્ય પોશ વિસ્તારો જેવા કે પાલડી, નવરંગપુરા અને રાણીપમાં પણ ડેન્ગ્યૂના કેસો નોંધાયા છે. જે દર્શાવે છે કે આ રોગ કોઈ ચોક્કસ વિસ્તાર પૂરતો સીમિત નથી. શહેરમાં મચ્છરોનો ઉપદ્રવ વધ્યો છે. જો યોગ્ય પગલાં લેવામાં નહીં આવે તો ડિસેમ્બરના અંત સુધીમાં આ કેસોની સંખ્યામાં હજુ પણ વધારો થઈ શકે છે. સામાન્ય રીતે સપ્ટેમ્બરથી ડિસેમ્બર મહિના સુધીમાં ડેન્ગ્યૂના કેસ વધુ સંખ્યામાં નોંધાતા હોય છે. સપ્ટેમ્બર મહિનાના તેર દિવસમાં જ ડેન્ગ્યૂના 200 કેસ નોંધાયા છે.
શહેરમાં ડેન્ગ્યૂ ઉપરાંત, અન્ય પાણીજન્ય અને મચ્છરજન્ય રોગચાળો પણ વકર્યો છે. સપ્ટેમ્બર મહિનામાં મેલેરિયાના 75 અને ઝેરી મેલેરિયા (ફાલ્સીપેરમ)ના 7 કેસ નોંધાયા છે. ઝેરી મેલેરિયામાં સમયસર સારવાર ન મળે તો જીવલેણ સાબિત થઈ શકે છે. આ સિવાય, પાણીજન્ય રોગો જેવા કે કમળો, ટાઇફોઇડ, ઝાડા-ઊલટી અને કોલેરાના કેસો પણ મોટા પ્રમાણમાં જોવા મળી રહ્યા છે. છેલ્લા સમયગાળામાં કમળાના 200, ટાઇફોઇડના 180 અને ઝાડા-ઊલટીના પણ અનેક કેસો નોંધાયા છે. આ રોગો મુખ્યત્વે દૂષિત પાણી અને ખોરાક દ્વારા ફેલાય છે.