ગુજરાતમાં સાડા નવ લાખથી વધુ ખેડૂતોએ પ્રાકૃતિક ખેતી અપનાવી છેઃ રાજ્યપાલ
- ગાંધીનગરના સરઢવમાં ગોગા મહારાજનો પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ યોજાયો
- મહોત્સવ દરમિયાન યોજાયેલા કૃષિ સંમેલનમાં રાજ્યપાલે ખેડુતોને શીખ આપી
- રાજ્યપાલે પ્રાકૃતિક ખેતીના પાંચ મુખ્ય આયામો સમજાવ્યા
ગાંધીનગરઃ જિલ્લાના સરઢવ ગામમાં નવનિર્મિત ગોગા મહારાજ ધામના પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવના શુભારંભ બાદ આ પ્રસંગે યોજાયેલા કૃષિ સંમેલનમાં રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીએ ખેડૂતો અને પશુપાલકોને માર્ગદર્શન આપ્યું હતું.
રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીએ જણાવ્યું કે ભારતની વિશેષતા છે કે અહીં માત્ર દેવી-દેવતાઓ જ નહીં, પરંતુ દરેક જીવજંતુ, નદીઓ, વૃક્ષો અને પ્રાણીઓમાં પણ દિવ્યતાનું અસ્તિત્વ માનવામાં આવે છે. તેમણે ગોગા મહારાજ ધામને યુવાપેઢી માટે આધ્યાત્મિક ચેતનાનું કેન્દ્ર ગણાવ્યું હતું.
પ્રાકૃતિક ખેતી અંગે વાત કરતા રાજ્યપાલે જણાવ્યું કે ગુજરાતમાં સાડા નવ લાખથી વધુ ખેડૂતોએ પ્રાકૃતિક ખેતી અપનાવી છે. તેમણે પ્રાકૃતિક ખેતીના પાંચ મુખ્ય આયામો સમજાવ્યા - જીવામૃત, બીજામૃત, ઘન જીવામૃત, આચ્છાદન અને મિશ્ર પાક પદ્ધતિ. આ પદ્ધતિ જમીનને ઊપજાઉ બનાવે છે અને પાકની ગુણવત્તા વધારે છે.
આ પ્રસંગે શિક્ષણ મંત્રી ડૉ. કુબેરભાઈ ડીંડોરે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના વિવિધ અભિયાનોની વાત કરી હતી. આ કાર્યક્રમમાં ગાંધીનગર ઉત્તરના ધારાસભ્ય રીટાબેન પટેલ, ગાદી ટીંટોડાના મહંત લખીરામજી બાપુ, ગોગાધામ સરઢવના લાલજીભાઈ રબારી સહિત મોટી સંખ્યામાં ખેડૂત ભાઈઓ અને બહેનો ઉપસ્થિત રહ્યા હતા.