For the best experience, open
https://m.revoi.in
on your mobile browser.
Advertisement

ગુજરાતમાં આંગણવાડીમાં 9800થી વધુ મહિલા કાર્યકરો અને હેલ્પરની ભરતી કરાશે

03:58 PM Aug 11, 2025 IST | Vinayak Barot
ગુજરાતમાં આંગણવાડીમાં 9800થી વધુ મહિલા કાર્યકરો અને હેલ્પરની ભરતી કરાશે
Advertisement
  • કુપોષણ ઘટાડવાબાળ આરોગ્ય સુધારવા રાજ્ય સરકાર સંકલ્પબદ્ધ,
  • 30 ઓગસ્ટ સુધીe-HRMS વેબ પોર્ટલ પર ઓનલાઈન અરજી કરી શકાશે,
  • આંગણવાડી કાર્યકર અને તેડાગર માટે 18 થી 33 વર્ષની મહિલાઓ અરજી કરી શકશે

 ગાંધીનગરઃ વિકસિત ભારતના નિર્માણમાં સમાજને આર્થિક રીતે વધુ સક્ષમ બનાવવામાં મહિલાઓની ભૂમિકા એક અજોડ ઉદાહરણ બની રહી છે. ગુજરાત સરકાર દ્વારા સંકલિત બાળ વિકાસ યોજના હેઠળ આંગણવાડી કાર્યકર અને તેડાગર બહેનોની 9000થી વધુ જગ્યાઓ પર માનવબળની જાહેરાત કરવામાં આવી છે. આંગણવાડીમાં માનવબળ વધવાથી કુપોષણ ઘટાડવા, બાળ મૃત્યુદર નિયંત્રણમાં લાવવા અને સ્થાનિક કક્ષાએ આરોગ્ય-પોષણનું સ્તર સુધારવાનો ધ્યેય સફળ થશે. આ તક રાજ્યની અનેક મહિલાઓને સ્વાવલંબી બનાવી પોતાના ઘરઆંગણે જ રોજગારીની તક આપશે.

Advertisement

મુખ્યમંત્રી  ભૂપેન્દ્ર પટેલના માર્ગદર્શન તથા મહિલા- બાળ વિકાસ મંત્રી  ભાનુબેન બાબરીયાના નેતૃત્વમાં ગુજરાતની મહિલાઓને આત્મનિર્ભર બનાવવા રાજ્ય સરકાર સતત પ્રયત્નશીલ છે. કુપોષણ ઘટાડવા, બાળ આરોગ્ય સુધારવા અને સ્થાનિક સ્તરે મહિલાઓને રોજગારી આપવા રાજ્ય સરકાર સંકલ્પબદ્ધ છે. આંગણવાડીમાં આંગણવાડી કાર્યકર તથા તેડાગર બહેનોની જગ્યાઓ પર કામ કરવા ઈચ્છુક મહિલાઓ આગામી તા. 30 ઓગસ્ટ 2025 સુધી e-HRMS વેબ પોર્ટલના માધ્યમથી ઓનલાઈન અરજી કરી શકે છે.

સ્થાનિક કક્ષાએ આરોગ્ય અને પોષણનું સ્તર ઉંચુ લાવવા માટે આંગણવાડી કાર્યકર તથા તેડાગર બહેનોની ભૂમિકા ખૂબ જ અગત્યની છે. ગુજરાતમાં જાહેર કરવામાં આવેલી માનવબળની કુલ જગ્યાઓમાં સૌથી વધુ કચ્છ જિલ્લામાં 619, અમદાવાદ મહાનગરપાલિકામાં 568, બનાસકાંઠામાં 547, આણંદમાં 394  અને મહેસાણામાં 393 જેટલી મહિલાઓની પસંદગી કરવામાં આવશે.

Advertisement

આ જગ્યાઓ માટે ઓનલાઈન અરજી કરવાની પદ્વતિની માર્ગદર્શિકા https://e-HRMS.gujarat.gov.in વેબસાઈટ પર મુકવામાં આવી છે. આંગણવાડીમાં અરજી કરવા માટે ગ્રામીણ સ્તરે કામ કરતા VCE મારફતે પણ ફોર્મ ભરી શકાશે. આ જગ્યાઓ માટે અરજી કરનારી મહિલાઓની જિલ્લા પ્રમાણે મેરીટ આધારે પસંદગી કરવામાં આવશે. સાથે જ અગાઉ આંગણવાડીમાં તેડાગર બહેનોની જગ્યા પર 10 વર્ષ કે તેથી વધુ વર્ષનો અનુભવ હશે તેમને આંગણવાડી કાર્યકર તરીકે પસંદગી કરવામાં અગ્રતા આપવામાં આવશે.

અત્રે ઉલ્લેખનીય છે કે, આંગણવાડી કાર્યકર માટે લઘુતમ શૈક્ષણિક લાયકાત ધોરણ 12 અથવા ધોરણ 10 પાસ, AICTE માન્યતા પ્રાપ્ત કોઈ પણ ઓછામાં ઓછો બે વર્ષનો કોર્સ પાસ કરેલો હોવો જરૂરી છે. આંગણવાડી તેડાગર માટે લઘુતમ શૈક્ષણિક લાયકાત ધોરણ 10 રાખવામાં આવી છે. આ માનદસેવામાં અરજી કરવા માટે 18 થી 33 વર્ષની ઉંમર હોય તે મહિલા જ અરજી કરી શકે છે. પસંદગી પામેલી મહિલાઓએ સંકલિત બાળ વિકાસ સેવાઓની યોજના હેઠળ છ વર્ષથી નાના બાળકો, સર્ગભા બહેનો, ધાત્રી માતાઓ, તથા કિશોરીઓનું આરોગ્ય અને પોષણનું સ્તર સુધારી ગુણવત્તાસભર બનાવનું સેવાકીય કામ કરવાનું છે.

સ્થાનિક કક્ષાએ આરોગ્ય અને પોષણ સ્તર વધુ ઉંચુ લાવવા માટે આ બહેનોની ભૂમિકા ખૂબ જ અગત્યની સાબિત થશે. તેમના દ્વારા લાભાર્થી જૂથોને પોષણ સહાય, માતા અને બાળકોની સંભાળ, અનૌપચારિક પૂર્વ પ્રાથમિક શિક્ષણ, આરોગ્ય વિષયક સેવાઓ જેવી કામગીરી કરવામાં આવે છે.

આંગણવાડી કાર્યકરે તેમના પોતાના જ રહેઠાણ વિસ્તારમાં સંકલિત બાળ વિકાસ યોજના અંતર્ગત કાર્યકર તરીકે કામગીરી કરવાની હોય છે. આ કામગીરીમાં મુખ્યત્વે જન્મથી 3 વર્ષ સુધીના બાળકોનું નિયમિત વજન, ઊંચાઈ, આરોગ્ય કર્મી સાથે રહીને આરોગ્ય તપાસ તથા ટેક હોમ રેશન પુરૂ પાડવાનું હોય છે. આ સિવાય બે સમયનો ગરમ નાસ્તો, પૂર્વ-પ્રાથમિક શિક્ષણ, સર્ગભા તથા ધાત્રી માતાને પોષણક્ષમ આહાર આપવાનો હોય છે.

આ ઉપરાંત તેમના આરોગ્ય, તપાસ, રસીકરણ, કિશોરીઓને આરોગ્ય શિક્ષણ તથા ટેક હોમ રેશન આપવાનું હોય છે.  તેડાગર બહેનોએ આંગણવાડીને સ્વચ્છ રાખવા, પૌષ્ટિક નાસ્તો તૈયાર કરવા અને બાળકોને સુરક્ષિત રીતે લાવવા-લઈ જવાની જવાબદારી પણ નિભાવવાની રહેશે.

Advertisement
Tags :
Advertisement