પાટણના આ ગામમાંથી નીકળ્યા છે 800થી વધુ શિક્ષકો
ગાંધીનગરઃ રાજ્યમાં શિક્ષણનું પ્રમાણ વધે તે માટે સરકાર દ્વારા અનેક પ્રકારના અભિયાન ચલાવવામાં આવે છે. ત્યારે બીજી બાજુ એવા સમાચારો પણ સામે આવતા હોય છે કે, સરકારી શાળામાં શિક્ષકોની ઘટ છે.
આ સમાચારોની વચ્ચે પાટણનું બાલીસણા ગામ રાજ્યમાં 800થી વધુ શિક્ષકો ધરાવતું ગામ બન્યું છે. આ શિક્ષકો હાલ પાટણ જિલ્લા સહિત રાજ્યભરના તમામ જિલ્લાઓમાં સરકારી શાળામાં શિક્ષણની ગંગા વહેવડાવી રહ્યા છે.
પાટણ જિલ્લામાં વસ્તીની દ્રષ્ટિએ સૌથી મોટું ગામ બાલીસણા છે. ત્યારે વસ્તીની દ્રષ્ટીએ તો બાલીસણા ગામ મોટુ છે, સાથે સાથે રાજ્યમાં સૌથી વધુ શિક્ષકો ધરાવતું પણ ગામ બાલીસણા બન્યુ છે.
બાલીસણા ગામમાં ગાયકવાડ સરકારથી જ વડીલો શિક્ષણનું મહત્વ સમજતા હતા, તે સમયે ગ્રામજનો લોકોને શિક્ષણનું મહત્વ સમજાવતા હતા અને ધોરણ 7 પાસ કરી ગામના લોકો શિક્ષકો બનતા હતા.
ગામની નવી પેઢી શિક્ષણ તરફ વળી શિક્ષક જ બનતા હતા, છેલ્લા 50 વર્ષમાં ગામમાંથી 800 જેટલા ભાઈઓ બહેનો શિક્ષક બન્યા છે. તેમાં 70% જેટલી મહિલાઓ હોવાનું મહિલા શિક્ષકે જણાવ્યું હતું.
હાલમાં પણ ગામમાંથી 450થી વધુ શિક્ષકો પાટણ જિલ્લા સહિત અલગ અલગ જિલ્લાઓમાં પ્રાથમિક, માધ્યમિક અને ઉચ્ચ માધ્યમિક શાળાઓમાં ફરજ બજાવી રહ્યા છે. હાલ 350 જેવા શિક્ષકો હાલમાં નિવૃત્ત થઈ ચૂક્યા છે.
આ અંગે ગામના નિવૃત શિક્ષક સાથે વાત કરતા તેમણે જણાવ્યું હતું કે, ગાયકવાડ સરકારથી જ ફરજિયાત શિક્ષણ હોવાથી અમને શિક્ષક બનવાની પ્રેરણા મળી.
જ્યારે જશોદા પટેલ નામના શિક્ષકે જણાવ્યું હતુ કે, અમારા ગામમાં શિક્ષણનું સારું પરિણામએ અમારા માતાપિતાને આભારી છે, અમારા ગામમાં આજે 800થી વધુ શિક્ષક શિક્ષિકાઓ નોકરી કરી રહી છે, જેમાં સૌથી વધુ મહિલાઓ છે .