For the best experience, open
https://m.revoi.in
on your mobile browser.
Advertisement

અંબાજીમાં દિવાળીના 5 દિવસમાં 8 લાખથી વધુ યાત્રિકોએ મા અંબાના દર્શન કર્યા

05:55 PM Oct 30, 2025 IST | Vinayak Barot
અંબાજીમાં દિવાળીના 5 દિવસમાં 8 લાખથી વધુ યાત્રિકોએ મા અંબાના દર્શન કર્યા
Advertisement
  • અંબાજીના ભંડારામાં સવા કરોડ કરતા વધુ આવક થઈ,
  • ત્રણ લાખથી વધુ મોહનથાળ પ્રસાદના પેકેટોનું વિતરણ થયુ,
  • ટ્રસ્ટ દ્વારા યાત્રિકોને દર્શન માટે વિશેષ વ્યવસ્થા ગોઠવવામાં આવી હતી

અંબાજીઃ શક્તિપીઠ ગણાતા યાત્રાધામ અંબાજી દિવાળીના તહેવારો દરમિયાન ભક્તોની શ્રદ્ધા અને ભક્તિથી છલકાયું હતું. મા અંબાના દર્શન કરવા દિવાળીના પાંચ દિવસ દરમિયાન આશરે 8 લાખથી વધુ યાત્રિકો અંબાજી ખાતે ઉમટ્યા હતા. યાત્રિકોએ યથાશક્તિ દાન આપતા સવા કરોડ રૂપિયાથી વધુની આવક અંબાજી દેવસ્થાન ટ્રસ્ટના દફતરે નોંધાઈ છે.

Advertisement

અંબાજી ટ્રસ્ટના વહીવટદાર કૌશિક મોદીએ જણાવ્યું હતુ કે પાંચ દિવસમાં મંદિર ભંડારમાં રુ.1.01 કરોડનું રોકડ દાન, જ્યારે ટેમ્પલ ઇન્સ્પેક્ટર કચેરી સહિત સોના-ચાંદીના દાન સાથે કુલ સવા કરોડ રૂપિયાની આવક થઈ હતી. આ આવક છેલ્લા કેટલાક વર્ષોની સરખામણીએ નોંધપાત્ર રીતે વધારે છે.દીપાવલીના પર્વ સાથે જ રાજસ્થાનની સરહદે આવેલા પર્યટન સ્થળો તરફ જતા માર્ગો પર પણ ભક્તોની ભારે અવરજવર જોવા મળી હતી. આ વખતે દર્શનાર્થીઓને કોઈ મુશ્કેલી ન પડે તે માટે વિશેષ વ્યવસ્થા કરવામાં આવી હતી.

અંબાજી ધામ તથા આસપાસના માર્ગો પર વાહનોની વધતી અવરજવરથી ટ્રાફિકની સમસ્યા ઊભી થતાં સુરક્ષા વિભાગ દ્વારા વિશેષ વ્યવસ્થા ગોઠવાઈ હતી. ભાઈબીજથી જ પદયાત્રા સંઘોનું આગમન શરૂ થયું હતું અને નૂતન વર્ષ સુધી ધામ સતત ગુંજતું રહ્યું. ત્રણ લાખથી વધુ મોહનથાળ પ્રસાદના પેકેટોનું વિતરણ કરવામાં આવ્યું. ભક્તોએ શ્રદ્ધા અને ભાવના સાથે દાન આપતા શક્તિનો ભંડાર છલકાવ્યો હોવાનું ટ્રસ્ટના સૂત્રોએ જણાવ્યું. (File photo)

Advertisement

Advertisement
Tags :
Advertisement