સુરતમાં 7 કલાકમાં 8થી વધુ ઈંચ વરસાદ, અનેક વિસ્તારોમાં પાણી ભરાયા
- સવારના 6 થી 12 વાગ્યા સુધીના ફક્ત 6 કલાકમાં 24 ઈંચ જેટલો વરસાદ પડ્યો,
- સુરતના માંડવી, માંગરોળ, પલસાણા, ચોરાસી, બારડોલી, ઓલપાડ તાલુકામાં ભારે વરસાદ,
- બપોરની પાળીના શાળાઓમાં રજા જાહેર કરવામાં આવી
સુરતઃ દક્ષિણ ગુજરાતમાં છેલ્લા બે દિવસથી વરસાદી માહોલ સર્જાયો છે. આજે રાજ્યમાં બપોર સુધીમાં 98 તાલુકામાં વરસાદ પડ્યો હતો. જેમાં સુરતમાં સવારના 6 વાગ્યાથી 2 વાગ્યા સુધીમાં આઠથી ઈંચથી વધુ વરસાદ ખાબકી જતાં જળબંબાકારની સ્થિતિ સર્જાઈ છે. શહેરનું જનજીવન અસ્ત વ્યસ્ત થઇ ગયું છે. સુરત શહેર ઉપરાંત સુરત જિલ્લામાં કામરેજ, માંડવી, માંગરોળ, પલસાણા, ચોરાસી, ઉમરપાડા, બારડોલી, ઓલપાડ તાલુકામાં વરસાદે જોરદાર બેટિંગ કરતાં 7 થી 1 ઈંચ જેટલો વરસાદ પડ્યો છે.
ગુજરાતમાં આજે સવારથી બપોરના 2 વાગ્યા સુધીમાં 98 તાલુકામાં વરસાદ પડ્યો હતો. જેમાં સુરતમાં 8 ઈંચથી વધુ વરસાદ પડતા અનેક વિસ્તારોમાં પાણી ભરાયા હતા.જ્યારે કામરેજમાં 6.22 ઈંચ,પલસાણામાં 5.39 ઈંચ, બારડોલીમાં 4.09 ઈંચ, ઓલપાડમાં 3.66 ઈંચ વરસાદ નોંધાયો હતો. આજે વલસાડ, નવસારી, તેમજ સૌરાષ્ટ્રના ગીર સોમનાથ, જુનાગઢ જામનગર સહિત જિલ્લામાં પણ વરસાદ નોંધાયો હતો.
સુરત શહેરમાં ચોમાસાનો ધમાકેદાર પ્રારંભ થયો છે. ગઈકાલે રાત્રે પણ મુશળધાર વરસાદ ખાબક્યા બાદ આજે વહેલી સવારથી જ મેઘરાજા મન મૂકીને વરસી રહ્યાં છે. શહેર અને જિલ્લામાં ધોધમાર વરસાદને કારણે નીચાણવાળા વિસ્તારો પાણીમાં ગરકાવ થયા છે. તો બીજી તરફ રસ્તાઓ પર પાણી ભરાતા જનજીવન પર તેની અસર સ્પષ્ટ દેખાઈ રહી છે. પાર્ક કરેલા વાહનો પણ ડૂબી જતાં લોકો ચિંતામાં મુકાયા છે. આજ વહેલી સવારથી વરસી રહેલા અવિરત વરસાદને પગલે કલેક્ટરે સવારની પાળીના બાળકો ઝડપથી ઘરે પહોંચે અને બપોર પાળીના બાળકોને રજા આપવા માટે સૂચન કરતા બપોરની શાળાઓમાં જાહેર રજા રાખવામાં આવી હતી. શહેરના તમામ વિસ્તારોના રસ્તાઓ નદીઓ બની ગયા છે. ઠેર-ઠેર રસ્તાઓ બંધ થવાના કારણે ટ્રાફિકજામના દૃશ્યો સર્જાયા છે.