ગુજરાતમાં એક વર્ષમાં 8.63 લાખથી વધુ પાસપોર્ટ ઈસ્યુ કરાયા
- સૌથી વધુ અમદાવાદ રિઝનમાં 6.82 પાસપોર્ટ ઈસ્યુ કરાયા,
- રાજ્યમાં દરરોજ 2585 પાસપોર્ટ ઈસ્યુ થાય છે,
- દિવાળી બાદ પાસપોર્ટના અરજદારોમાં ઘટાડો
અમદાવાદઃ ગુજરાતમાં દરેક વ્યક્તિને વિદેશ જવું હોય કે ન જવું હોય પણ પોતાની પાસે પાસપોર્ટ હોય તેમ માનતા હોવાથી પાસપોર્ટ મેળવવા લાઈનો લાગતી લહોય છે. હવે તો પોસ્ટ ઓફિસ તેમજ સેવા કેન્દ્રો ખાતેથી પણ પાસપોર્ટ મેળવવા માટે દસ્તોવેજો સ્વીકારવામાં આવે છે. પાસપાર્ટ માટે ઓનલાઈન અરજી કરવામાં હોય છે. અને એપોઈન્મેન્ટ મળે ત્યારે જરૂરી દસ્તાવેજો સાથે હાજર થવાનું હોય છે. રાજ્યમાં આ વર્ષે પાસપોર્ટ માટે 8.55 લાખથી વઘુ અરજી આવી હતી અને તેની સામે 8.63 લાખથી વઘુ પાસપોર્ટ જારી થયા છે. જેમાં અમદાવાદની રીજિયોનલ પાસપોર્ટ ઓફિસથી 6.82 લાખ જ્યારે સુરતથી 1.81 લાખ પાસપોર્ટ જારી કરવામાં આવ્યા હતા આમ, ગુજરાતમાં પ્રતિદિન સરેરાશ 2585 પાસપોર્ટ ઈશ્યૂ થાય છે. અલબત્ત, વર્ષ 2023ની સરખામણીએ નવેમ્બર 2024 સુધી પાસપોર્ટની અરજીમાં નોંધપાત્ર ઘટાડો જોવા મળ્યો છે.
પોસપોર્ટ વિભાગ કચેરીના સૂત્રોના જણાવ્યા મુજબ ગુજરાતમાંથી ગત વર્ષે અમદાવાદથી 7.95 લાખ અને સુરતથી 2.28 લાખ એમ કુલ 10.24 લાખ પાસપોર્ટ જારી કરવામાં આવ્યા હતા. આ સ્થિતિએ ગત વર્ષે દરરોજ 2807 જેટલા નવા પાસપોર્ટધારકો ઉમેરાતા હતા. શહેરમાં આરપીઓમાંથી આ વખતે જેટલી અરજી આવે છે તેની સામે વઘુ પાસપોર્ટનો નિકાલ થયો છે. આવેલી અરજીઓ કરતાં વઘુ પાસપોર્ટનો નિકાલ કરવામાં સફળતા મળી હોય તેવું છેલ્લી 2020ના વર્ષમાં બન્યું હતું. સમગ્ર દેશમાં આ વર્ષે નવેમ્બર સુધી 12.36 કરોડ અરજી સામે 11.84 કરોડ પાસપોર્ટ જારી થયેલા છે. છેલ્લા 6 વર્ષમાં ગુજરાતમાંથી 44.32 લાખથી વઘુ અરજીઓ આવી છે અને તેની સામે 43.99 લાખથી વઘુ પાસપોર્ટ ઈશ્યૂ થયા છે.સૂત્રોના જણાવ્યા અનુસાર દિવાળી બાદ પાસપોર્ટ અરજદારોમાં ઘટાડો થયો છે. દિવાળી અગાઉ રોજના 3500 જેટલા અરજદારો હતા અને તે હવે ઘટીને 3 હજારની આસપાસ છે.