દેશમાં માર્ગ અકસ્માતની ઘટનામાં મૃત્યુ પામનારા લોકોમાં 60 ટકાથી વધુ 18થી 45 વર્ષ સુધીના હોય છેઃ ગડકરી
નવી દિલ્હીઃ કેન્દ્રીય માર્ગ પરિવહન અને રાજમાર્ગ મંત્રીનીતિન ગડકરીએ કહ્યું: ‘દેશમાં માર્ગ અકસ્માતની ઘટનામાં મૃત્યુ પામનારા લોકોમાં 60 ટકાથી વધુ 18થી 45 વર્ષ સુધીના હોય છે.’ નીતિન ગડકરી નવી દિલ્હીમાં માર્ગ સલામતી પર A.M.C.H.A.M.ના ટેક્નોલૉજી હસ્તક્ષેપઃ યુએસ-ઇન્ડિયા ભાગીદારી વિષય પર યોજાયેલા કાર્યક્રમને સંબોધી રહ્યા હતા.
નીતિન ગડકરીએ કહ્યું, માર્ગ દુર્ઘટનાના કારણે દેશના કુલ ઘરેલું ઉત્પાદન- GDPને ત્રણ ટકાનું નુકસાન થઈ રહ્યું છે. તેમણે માર્ગ દુર્ઘટનાઓના સાચા કારણોનું યોગ્ય મૂલ્યાંકન કરવાની પણ જરૂરિયાત પર ભાર મુક્યો. નીતિન ગડકરીએ સરકારની ગુડ સૅમેરિટન્સ યોજનાનો ઉલ્લેખ કર્યો, જે અંતર્ગત દુર્ઘટના પીડિતોની મદદ કરનારા લોકોને 25 હજાર રૂપિયાનું ઈનામ અપાય છે. કેન્દ્રીય મંત્રીએ વિદ્યાર્થીઓને નિયમોથી જાગૃત કરવા માટે શાળાના અભ્યાસક્રમોમાં પણ માર્ગ સલામતી શિક્ષણનો સમાવેશ કરવાનો આગ્રહ કર્યો હતો.