અમદાવાદના 60થી વધુ પદયાત્રી સંઘો ભાદરવી પૂનમના દર્શન માટે અંબાજી જવા રવાના
- પદયાત્રીઓ માટે હિંમતનગર સુધી 100થી વધુ કેમ્પ કાર્યરત,
- અંબાજી સુધી કુલ 250 ટેન્ટ, 30 મોબાઇલ ટોઇલેટ, 15 ભંડારા માટે ટેન્ટ શરૂ થયા,
- વ્યાસવાડી સંઘ અને લાલ દંડાવાળો સંઘ પણ અંબાજી જવા રવાના
અમદાવાદઃ ભાદરવી પૂનમને હવે ચાર-પાંચ દિવસ બાકી રહ્યા છે, ત્યારે અનેક પગપાળા સંઘો અંબાજી તરફ આગળ વધી રહ્યા છે. અમદાવાદમાંથી 60 જેટલા સંઘો અંબાજી જવા માટે નિકળી ગયા છે. અમદાવાદથી હિંમતનગર સુધી 100થી વધુ કેમ્પ પદયાત્રીઓ માટે કાર્યરત કરાયા છે. રાજ્યભરમાંથી અંબાજીમાં ભાદરવી પૂનમના દર્શન માટે 1800 જેટલા પગપાળા સંઘો આવતા હોય છે. તેમાં આ વર્ષે 60થી 65 જેટલા પગપાળા સંઘો અમદાવાદથી અંબાજી જવા રવાના થયા છે.
સુપ્રસિદ્ધ યાત્રાધામ અંબાજીમાં ભાદરવી પૂનમના મેળામાં લાખોની સંખ્યામાં ભાવિકો ભમટી પડતા હોય છે. ભાદરવી પૂનમને ગણતરીના દિવસ બાકી રહ્યા છે ત્યારે પગપાળો સંઘોએ અંબાજી જવા પ્રસ્થાન કરી ચૂક્યા છે. અંબાજીમાં ભાદરવી પૂનમના દર્શન માટે 1800 જેટલા પગપાળા સંઘો આવતા હોય છે. તેમાં આ વર્ષે 60થી 65 જેટલા પગપાળા સંઘો અમદાવાદથી અંબાજી જવા રવાના થયા છે. દર વર્ષે શહેરના 2 મુખ્ય વ્યાસવાડી સંઘ અને લાલ દંડાવાળો સંઘ પણ અંબાજી જવા નીકળી ગયા છે. આ વર્ષે અમદાવાદથી અંબાજી સુધી આશરે કુલ 250 ટેન્ટ, 30 મોબાઇલ ટોઇલેટ, 15 ભંડારા માટે ટેન્ટ તેમ જ 30થી વધુ મેડિકલ કેમ્પનું પણ આયોજન કરાયું છે.
અમદાવાદથી 65 સંઘ પગપાળા જવા રવાના થયા છે, જેમાં ઘાટલોડિયા સંઘ, બાપુનગર સંઘ, નરોડા સંઘ, નારોલ સંઘ, વાડજ સંઘ, મણિનગર સંઘ જેવા મોટા સંઘો પણ અંબાજી પગપાળા રવાના થયા છે. સંઘના અગ્રણીના જણાવ્યા અનુસાર વ્યાસવાડી પગપાળા સંઘ દ્વારા વર્ષ 2008માં નવા વાડજના લોકો સહભાગી બનાવવા હેતુ મોટી ધજા બનાવવાનું વ્યાસવાડી પગપાળા સંઘે આયોજન કર્યું છે. આ ધજા જે-તે વર્ષે વિશ્વની મોટામાં મોટી ધજા સાબિત થઈ હતી. સમગ્ર ભારતમાં માત્ર એક જ એવી ધજા છે જે અંબાજી મુકામે અંબાજી મંદિરમાં પૂજાય છે.