દેશમાં એક વર્ષમાં ડિજિટલ એરેસ્ટના 6 હજારથી વધારે બનાવો નોંધાયાં
નવી દિલ્હીઃ દેશમાં છેલ્લા કેટલાક સમયથી ડિજીટલ એરેસ્ટના બનાવોમાં ચોંકાવનારો વધારો થયો છે, જેના પગલે સરકાર પણ હરકતમાં આવી છે. દેશમાં એક વર્ષના સમયગાળામાં ડિજિટલ એરેસ્ટના લગભગ 6000થી વધારે બનાવો નોંધાયાં છે. દરમિયાન દેશમાં વધી રહેલા સાયબર અપરાધો અને ડિજિટલ ધરપકડના મામલાઓને લઈને ગૃહ મંત્રાલય (MHA) એ એક ઉચ્ચ સ્તરીય સમિતિની રચના કરી છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે ગૃહ મંત્રાલયના આંતરિક સુરક્ષા સચિવ આ સમિતિ પર નજર રાખી રહ્યા છે. તેમના માસિક રેડિયો કાર્યક્રમ 'મન કી બાત' ના 115મા એપિસોડમાં PM Modi એ દેશવાસીઓને 'ડિજિટલ અરેસ્ટ' વિશે સતર્ક રહેવાની સલાહ આપી હતી. તેમણે સાયબર ફ્રોડથી બચવા માટે 'વેઇટ-થિંક-ટેક એક્શન' નો મંત્ર પણ આપ્યો હતો.
PM Modi ની સલાહ બાદ ગૃહ મંત્રાલયે ડિજિટલ અરેસ્ટ અને સાયબર ફ્રોડના વધતા મામલાઓને રોકવા માટે મોટું પગલું ભર્યું છે. ડિજિટલ ધરપકડ અને સાયબર છેતરપિંડીનો સામનો કરવા માટે એક ઉચ્ચ સ્તરીય સમિતિની રચના કરવામાં આવી છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે ડિજિટલ ધરપકડની ઘટનાઓને રોકવા માટે વિશેષ અભિયાન ચલાવવામાં આવશે. આ સિવાય ગૃહ મંત્રાલયની 14C વિંગે પણ તમામ રાજ્યોની પોલીસનો સંપર્ક કર્યો છે. MHA ની 14C વિંગ કેસ-ટુ-કેસ આધારે ડિજિટલ ધરપકડ પર નજર રાખશે.
નોંધનીય છે કે આ વર્ષે ડિજિટલ ધરપકડ સંબંધિત 6,000 થી વધુ ફરિયાદો નોંધવામાં આવી છે. ગૃહ મંત્રાલયની સાયબર વિંગે અત્યાર સુધીમાં 6 લાખ મોબાઈલ બ્લોક કર્યા છે. આ તમામ ફોન સાયબર ફ્રોડ અને ડિજિટલ ધરપકડની ઘટનાઓમાં સામેલ હતા. આ સિવાય 14C વિંગે અત્યાર સુધીમાં 709 મોબાઈલ એપ્લીકેશનને પણ બ્લોક કરી છે. એટલું જ નહીં સાયબર ફ્રોડમાં સામેલ 1 લાખ 10 હજાર IMEI બ્લોક કરી દેવામાં આવ્યા છે. આ ઉપરાંત સાયબર ફ્રોડ સંબંધિત 3.25 લાખ નકલી બેંકોને પણ ફ્રીઝ કરવામાં આવી છે.