સુરેન્દ્રનગર જિલ્લામાં 32000થી વધુ ખેડુતોએ પ્રાકૃતિક ખેતી અપનાવી
- જિલ્લામાં પ્રાકૃતિક ખેતીના 235 મોડલ ફાર્મ કાર્યરત
- પ્રાકૃતિક ખેતીથી લાખો રૂપિયાનું ઉત્પાદન મેળવતા ખેડુતો
- આત્મા પ્રોજેક્ટ દ્વારા ખેડૂતોને અપાતુ માર્ગદર્શન
સુરેન્દ્રનગરઃ ઝાલાવાડને નર્મદા યોજનાનો લાભ મળતા જિલ્લામાં કૃષિ ઉત્પાદમાં વધારો થયો છે. નર્મદા કેનાલ કાંઠા વિસ્તાર નંદનવન સમો બની રહ્યો છે. હવે ઘણા ખેડુતો પ્રાકૃતિક ખેતી તરફ વળ્યા છે. જિલ્લામાં હાલ 32,672 ખેડૂતો 43,122 એકર વિસ્તારમાં પ્રાકૃતિક ખેતી કરી રહ્યા છે. આ સાથે જિલ્લામાં 235 મોડલ ફાર્મ કાર્યરત છે, જે અન્ય ખેડૂતો માટે શિક્ષણનું કેન્દ્ર બન્યા છે.
ગુજરાત સરકાર પ્રાકૃતિક ખેતીને પ્રોત્સાહન આપવા માટે મોડલ ફાર્મ વિકસાવવા ખેડૂતોને રૂ.18,500ની આર્થિક સહાય આપે છે. વર્ષ 2024-25માં મોડલ ફાર્મ માટે રૂ.16.75 લાખની સહાય ચૂકવવામાં આવી છે. ચાલુ વર્ષે 100 નવા મોડલ ફાર્મ તૈયાર કરવામાં આવ્યા છે. આત્મા પ્રોજેક્ટના ડાયરેક્ટર ભરત પટેલના કહેવા મુજબ મોડલ ફાર્મ માટે જીવામૃત, ઘન જીવામૃત, આચ્છાદન, બીજામૃત અને મિશ્ર પાક પદ્ધતિના માપદંડો જરૂરી છે. પ્રાકૃતિક ખેતી ગાય આધારિત હોવાથી ગાય રાખતા ખેડૂતોના ફાર્મને જ મોડલ ફાર્મનો દરજ્જો આપવામાં આવે છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના માર્ગદર્શન હેઠળ દેશભરમાં પ્રાકૃતિક ખેતી માટે મહાઅભિયાન ચાલી રહ્યું છે. રાજ્યપાલ આચાર્ય દેવવ્રત અને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વમાં ગુજરાતમાં પણ પ્રાકૃતિક ખેતીને પ્રોત્સાહન આપવામાં આવી રહ્યું છે. આ પહેલથી ખેડૂતોને સ્વાસ્થ્ય અને સમૃદ્ધિ તરફ નવી દિશા મળી છે.
સુરેન્દ્રનગર જિલ્લામાં પ્રાકૃતિક ખેતીનો વ્યાપ વધે તે માટે સતત વિવિધ સ્તરે પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. ખાસ કરીને ખેડૂતોને પ્રાકૃતિક ખેતીના પ્રત્યક્ષ લાભોની જાણકારી મળી રહે અને પ્રાકૃતિક ખેતી અપનાવવા માટે પ્રેરણા મળે તે માટે જિલ્લાના ખેડૂતોને પ્રાકૃતિક કૃષિના આ મોડલ ફાર્મની વિઝીટ કરાવવામાં આવે છે. આ દરમિયાન પ્રાકૃતિક કૃષિ વિશેના ખેડૂતોને મૂંઝવતા પ્રશ્નોનું પણ સમાધાન મળે છે. જિલ્લામાં પણ પ્રાકૃતિક કૃષિ અભિયાન તેજીથી આગળ વધી રહ્યું છે અને હજારો ખેડૂતોએ પ્રાકૃતિક કૃષિ પેદાશો થકી ઘણી સારી આવક પણ મેળવી રહ્યાં છે.
સુરેન્દ્રનગર જિલ્લામાં આત્મા પ્રોજેક્ટ દ્વારા જુદાજુદા ગામનાં ખેડૂતોને સમયાંતરે આ મોડલ ફાર્મની મુલાકાત કરાવવામાં આવે છે. જેમાં પ્રાકૃતિક ખેતી ન કરતા હોય તેવા ખેડૂતોને પ્રાકૃતિક ખેતી અપનાવવા પ્રેરિત કરી વિસ્તૃત માર્ગદર્શન પણ આપવામાં આવે છે. જિલ્લામાં પ્રાકૃતિક કૃષિ અભિયાનને વેગવાન બનાવવા માટે આત્મા પ્રોજેક્ટ ટીમ દ્વારા ખેડૂતોની વચ્ચે જઈ તેમને પ્રાકૃતિક કૃષિ અપનાવવા માટે અનુરોધ કરવામાં આવે છે.