‘સેવા સેતુ’ કાર્યક્રમના કુલ 10 તબક્કામાં 3.07 કરોડથી વધુ લાભાર્થીઓને લાભ અપાયો સેવાસેત
- સેવાસેતુ કાર્યક્રમમાં 99.89 ટકા અરજીનો નિકાલ કરાયો,
- સેવા સેતુ કાર્યક્રમમાં 55 જેટલી સેવાઓથી નાગરિકો લાભાન્વિત,
- સરકાર ‘આપણા દ્વારે’ મંત્રને સાચા અર્થમાં ચરિતાર્થ કર્યો
ગાંધીનગરઃ ‘સુશાસન’નું ઉત્તમ ઉદાહરણ એટલે ગુજરાતના ગ્રામીણ અને શેહરી વિસ્તારોમાં યોજવામાં આવતો ‘સેવા સેતુ’ કાર્યક્રમ. રાજ્યમાં સેવા સેતુ કાર્યક્રમના અત્યાર સુધી યોજયેલા કુલ 10 તબક્કામાં અંદાજે 3.07 કરોડથી વધુ લાભાર્થીઓને લાભ આપીને સરકાર ‘આપણા દ્વારે’ મંત્રને સાચા અર્થમાં ચરિતાર્થ કર્યો છે.
વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીની સુશાસનની પરિપાટિ પર ગુજરાતમાં વર્ષ 2016 થી ‘સેવા સેતુ કાર્યક્રમ’ શરૂ કરવામાં આવ્યો હતો. જેને મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સફળતાપૂર્વક આગળ ધપાવી રહ્યા છે. આ કાર્યક્રમ અંતર્ગત રાજ્ય સરકાર દ્વારા નાગરિકોના ઘર આંગણે જ વિવિધ પ્રકારની લોકોપયોગી યોજનાઓનો લાભ આપવામાં આવે છે. રાજ્ય સરકાર દ્વારા વર્ષ 2016માં માત્ર 23 સેવાઓથી શરૂ કરેલા આ કાર્યક્રમમાં હાલ 13 જેટલા વિભાગની યોજનાઓનો સમાવેશ કરીને કુલ 55 જેટલી સેવાઓનો લાભ છેવાડા નાગરિકો સુધી પહોચાડવામાં આવી રહ્યો છે.
સેવા સેતુ કાર્યક્રમના કુલ 10 તબક્કામાં 3,07,63,953 અરજીઓ મળી હતી, જે પૈકી 3,07,30,659 અરજીઓ એટલે કે, 99,89 ટકા અરજીઓનો સફળતાપૂર્વક નિકાલ કરવામાં આવ્યો છે. રાજ્યમાં ગત તા. 31 ઓક્ટોબર 2024 એ સેવા સેતુ કાર્યક્રમનો 10મો તબક્કો પૂર્ણ થયો છે. જેમાં ગ્રામીણ વિસ્તારમાં તાલુકા દીઠ 03 કાર્યક્રમ અને શહેરી વિસ્તારમાં મહાનગરપાલિકા તેમજ નગરપાલિકા દીઠ 02-02 કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં ડિસેમ્બર 2023 થી જાન્યુઆરી 2024 સુધીમાં યોજાયેલ 09 તબક્કામાં ગ્રામીણ અને શેહરીકક્ષાએ મળેલી 100 ટકા અરજીઓનો નિકાલ કરવામાં આવ્યો છે, જે રાજ્યના સુશાસનમાં યશકલગી સમાન છે.
સેવા સેતુ કાર્યક્રમમાં કુલ 55 સેવાઓનો ગ્રામીણ અને શહેરી વિસ્તારમાં સમાવેશ કરાયો છે. જેમાં સામાન્ય વહિવટ વિભાગ, નાણા, મહેસૂલ, શ્રમ અને રોજગાર, અન્ન, નાગરિક પુરવઠા અને ગ્રાહક બાબતોનો, આદિજાતિ વિકાસ, આરોગ્ય અને પરિવાર કલ્યાણ, ઊર્જા અને પેટ્રોકેમિકલ્સ, બંદરો અને વાહન વ્યવહાર, સામાજિક ન્યાય અને અધિકારીતા, શહેરી વિકાસ અને શહેરી ગૃહ નિર્માણ, ઉદ્યોગ અને ખાણ, પ્રવાસન, મહિલા અને બાળવિકાસ વિભાગ જેવા વિવિધ વિભાગોની કુલ ૫૫ સેવાઓનો લાભ લાભાર્થીઓને સ્થળ પર જ આપવામાં આવે છે.