દિવાળીના પ્રવાસી ટ્રાફિકને પહોંચી વળવા માટે 2600થી વધુ એસટીની ખાસ બસો દોડાવાશે
- એસટી નિગમના 16 ડિવિઝનોમાંથી એકસ્ટ્રા બસો ડોદાવવાનું આયોજન,
- સુરતથી સૌરાષ્ટ્ર માટે 1600 બસો દોડાવાશે,
- પ્રવાસીઓ એડવાન્સમાં ટિકિટ તેમજ ગૃપ બુકિંગ પણ કરાવી શકશે,
અમદાવાદઃ દિવાળીના તહેવારોને એક મહિનાથી ઓછો સમય બાકી છે. સુરત, અમદાવાદ સહિત મહાનગરોમાં વસતા બહારગામના લોકો દિવાળીના તહેવારો દરમિયાન પોતાના માદરે વતન જતા હોય છે. ત્યારે પ્રવાસી ટ્રાફિકને પહોંચી વળવા માટે એસ.ટી.નિગમ દ્વારા દરવર્ષની જેમ ચાલુ વર્ષે પણ રાજયભરમાંથી 2600 જેટલી એકસ્ટ્રા બસો દોડાવાશે. જેમાં રાજકોટ, ભાવનગર, અમરેલી, જૂનાગઢ, કચ્છ, અમદાવાદ, વડોદરા, હિંમતનગર, મહેસાણા, નડિયાદ, પાલનપુર સહિતનાં 16 ડિવીઝનોમાંથી એકસ્ટ્રા બસો દોડાવાશે.
સુરત શહેરમાં સૌરાષ્ટ્ર તેમજ મધ્ય અને ઉત્તર ગુજરાતના અનેક પરિવારો વસવાટ કરી રહ્યા છે. દિવાળીના તહેવારોમાં પ્રવાસીઓની ભારે ભીડ રહેતી હોય છે. આથી સુરતથી સૌરાષ્ટ્ર માટે 1600 બસો દોડાવાશે. ગત વર્ષે એસ.ટી.નિગમે દિવાળી ઉપર 2300 વધારાની બસો દોડાવી હતી. અને 4 લાખ જેટલા મુસાફરોએ મુસાફરી કરી હતી. ત્યારે ચાલુ વર્ષે બસોની સંખ્યા વધારવામાં આવી છે. આથી એસટી નિગમને આવક અને પ્રવાસીઓનો આંકડો પણ વધશે. આ વર્ષે એસ.ટી.નિગમ દ્વારા દિવાળીના તહેવારોને ધ્યાને લઈ વતનમાં જવા તા.16થી 19 ઓક્ટોબર દરમિયાન સુરતથી 1600 એકસ્ટ્રા બસો દોડાવશે.
રાજ્યના સૌરાષ્ટ્ર સહિત વિવિધ સ્થળોએ પણ ખાસ કરીને દિવાળીના તહેવારમાં માદરે વતન તરફ મોટી સંખ્યામાં પ્રવાસ કરતા સૌરાષ્ટ્રવાસીઓ તથા રાજ્યની અન્ય જનતા માટે સુરત તેમજ અન્ય શહેરોમાંથી ખાસ એક્સ્ટ્રા બસો દોડાવવાનું આયોજન છે. એકસ્ટ્રા બસોનું સંચાલન સાંજે 4.00 થી રાત્રે 10.00 કલાક સુધી રહેશે, જે માટે મુસાફરો એડવાન્સમાં ટિકિટ તેમજ ગૃપ બુકિંગ પણ કરાવી શકશે. આખી બસનુ ગ્રુપ બુકિંગ કરાવનારને ‘એસ.ટી. આપના દ્વારે’ યોજના હેઠળ તેમની સોસાયટીથી વતન સુધી પહોચાડવામાં આવશે. પ્રવાસીઓ એસ.ટી.દ્વારા નિમાયેલા બુકિંગ એજન્ટો, મોબાઇલ એપ તથા નિગમની વેબસાઇટ www.gsrtc.in ઉપરથી પણ ઓનલાઇન ટિકિટ બુકિંગ કરી શકશે.