ગાંધીનગરના ચંદ્રાલા ગામમાં 25થી વધુ ગ્રામજનો રોગચાળામાં સપડાયા
- ગામના 25થી વધુ લોકોને શંકાસ્પદ કમળા અસર,
- 6 લોકોને હોસ્પિટલમાં ખસેડાયા,
- આરોગ્ય વિભાગ દ્વારા ઘેર ઘેર સર્વેની કામગીરીનો પ્રારંભ
ગાંધીનગરઃ જિલ્લાના ચંદ્રાલા ગામમાં પાણીજન્ય રોગચાળો ફાટી નિકળતા આરોગ્ય વિભાગ દોડી ગયું છે. દૂષિત પાણીના કારણે 25 થી વધુ દર્દીઓ શંકાસ્પદ કમળાના રોગચાળામાં સપડાયા છે. જે પૈકી છ દર્દીઓની તબિયત વધુ લથડતા તેમને ચન્દ્રાલા નજીકના આરોગ્ય કેન્દ્ર ખાતે સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા. જેમાં ચાર દર્દીઓને સારવાર આપી રજા આપી દેવામાં આવી હતી. દરમિયાન રામમાંથી પાણીના નમુના લેવામાં આવ્યા છે. આરોગ્ય વિભાગના કર્મચારીઓ દ્વારા ઘેર ઘેર ફરીને સર્વે કરવામાં આવી રહ્યો છે.
ગાંધીનગરના ચન્દ્રાલા ગામમાં દૂષિત પાણીના કારણે પાણીજન્ય રોગચાળો ફાટી નીકળવાની દહેશત વચ્ચે 25 થી વધુ દર્દીઓને શંકાસ્પદ કમળાની ઝપેટમાં આવી ગયા છે. છેલ્લા ત્રણ ચાર મહિનાથી ગ્રામજનોમાં દૂષિત પાણીની ફરીયાદો ઉઠી હતી. એવામાં દૂષિત પાણીના કારણે એક પછી એક 25 થી વધુ દર્દીઓમાં શંકાસ્પદ કમળાના રોગની ઝપેટમાં આવી જતા આરોગ્ય વિભાગ સફાળું જાગ્યુ છે. શંકાસ્પદ દર્દીઓને ચન્દ્રાલા નજીકનાં આરોગ્ય કેન્દ્ર - સાર્વજનિક હોસ્પિટલમાં સારવાર લેવા ખસેડાયા હતા. શંકાસ્પદ પાણીજન્ય રોગચાળો વકરતા ગ્રામજનોમાં પણ આરોગ્ય તંત્રની બેદરકારી સામે રોષ વ્યાપી ગયો છે.
ચન્દ્રાલા ગામમાં શંકાસ્પદ કમળાનાં છ દર્દીઓની તબિયત વધુ લથડતા તેમને સાર્વજનિક હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. જે પૈકી ચાર દર્દીઓને જરૂરી સારવાર આપીને ડિસ્ચાર્જ આપી દેવામાં આવ્યા હતા. જ્યારે બે દર્દીઓને દાખલ કરી સઘન સારવાર આપવામાં આવી રહી છે. આ અંગે જિલ્લા આરોગ્ય અધિકારી એ જે વૈષ્ણવે જણાવ્યું કે, ટીમને તપાસ અર્થે મોકલી છે. જેનો રિપૉર્ટ આવ્યા પછી વિગતો આપી શકીશ.