ગુજરાતમાં હર ઘર તિરંગા અને સ્વચ્છતાના કાર્યક્રમમાં 22.40 લાખથી વધુ વિદ્યાર્થીઓ જોડાયા
- તિરંગા યાત્રાને સફળ બનાવવા 50 લાખથી વધુ તિરંગાનું વિતરણ કરાયુ,
- રાજ્યના 33 જિલ્લામાં તિરંગા યાત્રા યોજાઈ,
- તિરંગા સાથે સેલ્ફી કાર્યક્રમમાં 5.45 લાખથી વધુ નાગરિકો જોડાયા
અમદાવાદઃ રાષ્ટ્રધ્વજના સન્માનમાં તા.8થી 15 ઓગસ્ટ દરમિયાન રાજ્યભરમાં ‘સ્વતંત્રતા સપ્તાહ’ ઉજવવામાં આવી રહ્યું છે. રાજ્યના નાગરિકોમાં રાષ્ટ્રધ્વજ, સ્વચ્છતા તેમજ દેશ પ્રત્યે વધુ રાષ્ટ્ર ભાવના આવે તે માટે ‘રાષ્ટ્રીય સ્વતંત્રતા પર્વ’ની ઉજવણી કરવામાં આવી રહી છે. ગુજરાતના તમામ જિલ્લાઓ અને મહાનગરપાલિકાઓમાં ‘હર ઘર તિરંગા’ કાર્યક્રમ અંતર્ગત તા.08 થી 12 ઓગસ્ટ 2025 સુધીમાં તિરંગા સાથે સેલ્ફી કાર્યક્રમમાં 5.45 લાખથી વધુ નાગરિકો, સ્વચ્છતા ડ્રાઈવમાં 5.37 લાખથી વધુ તેમજ તિરંગા યાત્રામાં 16 લાખથી વધુ એમ કુલ મળીને 26 લાખથી વધુ દેશભક્ત નાગરિકો જનભાગીદારીથી જોડાયા હતા.
ગુજરાતના 33 જિલ્લાઓમાં તિરંગાયાત્રાના આયોજનની સાથે વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમોનો આયોજન પણ કરવામાં આવ્યું હતું. જે અંતર્ગત તા.10 ઓગસ્ટ 2025ના રોજ કેન્દ્રીય જળ શક્તિ મંત્રી સી.આર.પાટીલ અને ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીની ઉપસ્થિતિમાં 60 હજારથી વધુ નાગરિકોની જનભાગીદારીથી તિરંગા યાત્રાનું સુરત ખાતે સફળ આયોજન કરવામાં આવ્યું હતું. વધુમાં ‘હર ઘર તિરંગા – હર ઘર સ્વચ્છતા’ કાર્યક્રમ અંતર્ગત રાજ્યભરની 1.20 લાખથી વધુ શાળા –કોલેજો મળીને 22.40 લાખથી વધુ વિદ્યાર્થીઓએ દેશભક્તિને રજૂ કરતી ચિત્રકલા, રંગોળી, પત્રલેખન, ક્વીઝ, વેશભૂષા, મહેંદીની સ્પર્ધામાં જોડાયા હતા.
આ ઉપરાંત વડોદરા ખાતે તા.11 ઓગસ્ટ 2025ના રોજ 25 હજાર નાગરિકો ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીની ઉપસ્થિતિમાં તિરંગા યાત્રામાં જોડાઈને ભવ્ય સાંસ્કૃતિક કાર્યક્રમ નિહાળ્યો હતો. રાજ્યભરમાં તિરંગા યાત્રાને વધુ સફળ બનાવવાં માટે અંદાજિત 50 લાખથી વધુ તિરંગાનું યુવક સેવા સાંસ્કૃતિક પ્રવૃતિઓની કચેરી દ્વારા વિનામૂલ્યે વિતરણ કરાવવામાં આવ્યું હતું તેમ યુવક સેવા સાંસ્કૃતિક પ્રવૃતિ કચેરી ગાંધીનગરની યાદીમાં જણાવવામાં આવ્યું છે.
યાદીમાં વધુમાં જણાવવામાં આવ્યું છે કે, ‘હર ઘર તિરંગા – હર ઘર સ્વચ્છતા’ની થીમ અંતર્ગત તા.12 ઓગસ્ટ 2025ના રોજ ભરૂચ, નર્મદા, અમદાવાદ, સુરેન્દ્રનગર, છોટા ઉદેપૂર, આણંદ, નવસારી, મહેસાણા, મોરબી, વડોદરા, અરવલ્લી, વલસાડ, દેવભૂમિ દ્વારકા, ગાંધીનગર, દાહોદ, પોરબંદર, જામનગર, બનાસકાંઠા, પંચમહાલ, ડાંગ જિલ્લામાં તેમજ તા.13 ઓગસ્ટ 2025ના રોજ સાબરકાંઠા, કચ્છ, પાટણ, આણંદ, મહેસાણા, વલસાડ, દેવભૂમિ દ્વારકા, ગાંધીનગર, દાહોદ, પંચમહાલ જિલ્લામાં તથા તા.14 ઓગસ્ટ 2025ના રોજ કચ્છ, સુરેન્દ્રનગર, ગાંધીનગર ખાતે શાળા કક્ષાએ, ગ્રામ્ય કક્ષાએ, તાલુકા કક્ષાએ, જિલ્લા કક્ષાએ તિરંગા યાત્રાનું સફળ આયોજન કરવામાં આવ્યું છે.
આ ઉપરાંત તા. 12 ઓગસ્ટ 2025ના રોજ ભરૂચ, રાજકોટ, પાટણ, ગાંધીનગર અને ડાંગ જિલ્લામાં તા. 13 ઓગસ્ટ 2025ના રોજ બોટાદ, નવસારી, મોરબી, રાજકોટ જિલ્લામાં તેમજ તા.14 ઓગસ્ટ 2025ના રોજ ભરૂચ, રાજકોટ, જામનગર ગાંધીનગર જિલ્લામાં શાળા કક્ષાએ, ગ્રામ્ય કક્ષાએ, તાલુકા કક્ષાએ, જિલ્લા કક્ષાએ ‘સ્વચ્છતા અભિયાન’નું આયોજન કરવામાં આવ્યું છે.
આ સિવાય તા. 15 ઓગસ્ટ 2025ના રોજ રાજ્યના તમામ જિલ્લા અને મહાનગરપાલિકાઓ ખાતે શાળા કક્ષાએ, ગ્રામ્ય કક્ષાએ, તાલુકા કક્ષાએ તેમજ જિલ્લા કક્ષાએ ‘ધ્વજ વંદન’ના કાર્યક્રમનું આયોજન પણ કરવામાં આવ્યું છે.