દિલ્હીની 20થી વધુ સ્કૂલોને બોમ્બથી ઉડાવી દેવાની મળી ધમકી
નવી દિલ્હીઃ દિલ્હીમાં શાળાઓ અને કોલેજોને દરરોજ બોમ્બની ધમકીઓ મળી રહી છે. અધિકારીઓએ જણાવ્યું હતું કે દિલ્હીની 20 થી વધુ શાળાઓને ઇમેઇલ દ્વારા બોમ્બ ધમકીઓ મળી છે. પોલીસના જણાવ્યા અનુસાર, દિલ્હીના પશ્ચિમ વિહારમાં રિચમંડ ગ્લોબલ સ્કૂલને બોમ્બ ધમકી મળી હતી. બોમ્બ ધમકીની જાણ થતાં જ ફાયર વિભાગ અને દિલ્હી પોલીસની એક ટીમ ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી. તેમજ સમગ્ર પરિસરમાં તપાસ કરવામાં આવી હતી. જો કે, કંઈ વાંધાજનક મળી આવ્યાનું જાણવા મળે છે.
દિલ્હી ફાયર સર્વિસ વિભાગે જણાવ્યું હતું કે, બોમ્બની ધમકીને પગલે તપાસ કરવામાં આવી હતી. છેલ્લા ત્રણ દિવસમાં દિલ્હીની દસ શાળાઓ અને એક કોલેજને ઇમેઇલ દ્વારા બોમ્બ ધમકીઓ મળી હતી, ત્યારબાદ પોલીસે કાર્યવાહી કરી હતી અને શાળાઓને અસ્થાયી રૂપે બંધ કરી દીધી હતી.
દિલ્હીના પશ્ચિમ વિહાર વિસ્તારમાં આવેલી રિચમંડ ગ્લોબલ સ્કૂલને પણ બોમ્બ ધમકી મળી છે. શુક્રવારે વહેલી સવારે પશ્ચિમ વિહારમાં આવેલી રિચમંડ ગ્લોબલ સ્કૂલમાં બોમ્બ હોવાની માહિતી મળી હતી. સવારે 4.55 વાગ્યે ઇમેઇલ દ્વારા માહિતી મળી હતી. માહિતી મળતાં જ સ્થાનિક પોલીસ બોમ્બ સ્ક્વોડ, ડોગ સ્ક્વોડ અને ફાયર બ્રિગેડના કર્મચારીઓ સાથે ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી. શાળાના પરિસરમાં તપાસ કરવામાં આવી હતી પરંતુ કંઈ શંકાસ્પદ વસ્તુ મળી આવી ન હતી. રોહિણી સેક્ટર 3 માં આવેલી અભિનવ પબ્લિક સ્કૂલને પણ બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળી હતી.