શ્રી સમસ્ત ગુજરાત બ્રહ્મસમાજ રાજયકક્ષા દ્વારા આયોજિત બિઝનેસ સમિટ -4માં 2 લાખથી વધુ મુલાકાતીઓ મુલાકાત લેશે
અમદાવાદઃ શ્રી સમસ્ત ગુજરાત બ્રહ્મસમાજ રાજયકક્ષા દ્વારા આયોજિત બિઝનેસ સમિટ -4 આગામી તારીખ 15,16 અને 17 માર્ચ 2024 એમ ત્રણ દિવસ યોજાશે. તે સંદર્ભે આજરોજ વિજ્ઞાનભવન, સાયન્સસિટી, અમદાવાદ ખાતે શ્રી સમસ્ત બ્રહ્મસમાજ (રાજયકક્ષા)ના મુખ્ય કન્વીનર ડૉ. યજ્ઞેશભાઈ દવેએ જણાવ્યું હતું. તેમણે જણાવ્યું હતું કે, આવતીકાલથી શરૂ થતી બિઝનેસ સમિટ - 4નું ઉદ્ઘાટન તેમજ શુભારંભ ગુજરાત રાજ્યના આદરણીય મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ, કેન્દ્રીય જળશક્તિ મંત્રી સી.આર.પાટીલના હસ્તે તેમજ રાજ્યના મંત્રી મંડળના મંત્રીઓ, સાંસદ સભ્યઓ, ધારાસભ્યો તેમજ સંતો અને મહંતોની વિશેષ ઉપસ્થિતિમાં થશે. સમિટના ઉદ્ઘાટન સમયે કુંવારિકાઓ દ્વારા સમિટના તમામ સ્ટોલના પૂજન કરવામાં આવશે. આ સમિટના ઉદ્ઘાટન બાદ સમાજના અગ્રણીઓ સમાજને સંબોધશે.
ડો. યજ્ઞેશ દવે એ બિઝનેસ સમિટની માહિતી આપતા જણાવ્યું કે, આ સમિટમાં 2 લાખથી વધુ મુલાકાતીઓ સમિટની મુલાકાત લેવાના છે. આ બિઝનેસ સમિટમાં ૨૦૦ ઉપરાંત સ્ટોલ છે જે તમામ બ્રાહ્મણ ઉદ્યોગકારોના છે. 600 જેટલા ઉદ્યોગકારો આ બિઝનેસ સમિટમાં ભાગ લઈ રહ્યા છે જેમના વેપાર-ધંધાના પ્રચાર - પ્રસાર માટે સમાજ દ્વારા વિશિષ્ટ આયોજન કરવામાં આવ્યું છે. ત્રણ દિવસીય યોજાનાર બિઝનેસ સમિટની રૂપરેખા મીડિયાને જણાવતા કહ્યું કે, તા. 15 માર્ચે સવારે બિઝનેસ સમિટનું ઉદ્ઘાટન થશે ત્યારબાદ બપોરે બી-ટુ-બી એટલેકે બિઝનેસ થી બિઝનેસનું માર્ગદર્શન આપવામાં આવશે. જેમાં, સફળ ઉદ્યોગકારોને સફળતા કે રીતે મળી અને નાના ઉદ્યોગકારોને કઈ રીતે સફળ થઈ શકાય તેનું માર્ગદર્શન આપવામાં આવશે. ત્યારબાદ કન્વિનર રાજેશભાઈ દવે દ્વારા ધર્મસભા નું આયોજન કરવામાં આવ્યું છે જેમાં, 100 જેટલા સંતો, મહંતો તેમજ કથાકારો ઉપસ્થિત રહેશે. સાંજે સાંસ્કૃતિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં સમાજના કલાકારો પોતાની કલા રજૂ કરશે. તા 17 માર્ચે સવારે બેન્કિંગ લોન, સ્ટાર્ટઅપ ઈન્ડિયા તેમજ બિનઅનામત વર્ગના લોકોને કઈ રીતે લોન સહાય તેમજ ઉદ્યોગકારોને જરૂરી ડોક્યુમેન્ટ જો પૂર્ણ હશે તો ફાઇલ ચાર્જ વિના ઉધ્યોગ માટે બેન્કિંગ લોન જેટલી મંજૂર થતી હશે તે પ્રમાણે લોન આપવાની સુવ્યવસ્થા કરવામાં આવી છે.
ગઈ બિઝનેસ સમિટમાં નોકરી અને રોજગારનો ઉદ્દેશ્ય હતો, આ સમિટમાં નોકરી રોજગાર ઉપરાંત નવા ઉધ્યોગ સ્ટાર્ટઅપ તેમજ ઉદ્યોગને વેગ મળે તે માટેનું સુદ્રઢ આયોજન આ સમિટમાં કરવામાં આવ્યું છે. ત્યારબાદ, એજ્યુકેશન કોચિંગ ક્લાસના સંચાલકો સાથેનો વાર્તાલાપ કાર્યક્રમ યોજાશે. ત્યારપછી મોટીવેશનલ સ્પીકર દ્વારા માર્ગદર્શન કાર્યક્રમ યોજાશે. જેમાં, સંજય રાવલ, કાજલ ઓઝા વૈધ, સમ્રાટ દવે ઉપરાંત સમાજના પ્રતિષ્ઠિત મોટીવેશનલ સ્પીકર દ્વારા મોટીવેશનલ સ્પીચ આપવામાં આવશે. સાંજે સાંસ્કૃતિક કાર્યક્રમ યોજાશે જેમાં નૃત્ય નાટિકા ભગવાન પરશુરામજી નું ખાસ એક નાટક પ્રસ્તુત કરવામાં આવશે. સમિટના અંતિમ દિવસ એટલે તા. 17 માર્ચે બી-ટુ-સી મિટિંગનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં, રિટેલ બ્રાહ્મણ બિઝનેસમેન દ્વારા કસ્ટમરોને ડિસ્કાઉન્ટ તેમજ તેમના ધંધારોજગારને પ્રોત્સાહન મળે તે માટેનું આયોજન કરવામાં આવ્યું છે. 12 થી 02 કલાક સુધી રોજગાર લક્ષી માર્ગદર્શન કાર્યક્રમ યોજાશે. જેમાં, અત્યારસુધીમાં લગભગ 4 હજાર જેટલા બેરોજગારોની નોંધણી થઈ છે તેઓને ઉપસ્થિત 600 જેટલા ભાગ લેનાર ઉદ્યોગકારો દ્વારા નોકરી ઓફર કરવામાં આવશે અને રોજગારી મેળવનાર લોકોને પત્રક પણ એનાયત કરવામાં આવશે. ત્યારબાદ પ્રોફેશનલ ભૂદેવોનો સેમીનાર યોજાશે. ત્યારબાદ સાંજે પરંપરાગત સાંસ્કૃતિક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં ગુજરાતી કલાકારો ભાગ લેશે.
તેમણે વધુમાં જણાવ્યું કે, સમગ્ર કાર્યક્રમમાં કલાકારો, સ્ટોલ, ભાગ લેનાર ઉદ્યોગકારો સર્વે બ્રહ્મસમાજના છે પરંતુ નિમંત્રણ માત્ર બ્રહ્મસમાજને નથી, બલ્કે સ્વનો નહીં સૌનો વિચાર કરનાર બ્રાહ્મણ સમાજે આ સમિટમાં તમામ સમાજના અને વર્ગના લોકોને આમંત્રિત કર્યા છે. આ સમિટમાં કોઈ પણ પ્રવેશ ફી રાખવામાં આવેલ નથી, પ્રવેશ નિઃશુલ્ક છે. આ સમિટમાં ત્રણ દિવસ સુધી બપોર અને સાંજનું ભોજન સમાજ તરફથી ફ્રીમાં રાખવામાં આવ્યું છે. અંતે જણાવ્યું કે દેશના આદરણીય વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબ દ્વારા સંસ્થાને આ સમિટની સફળતાની શુભેચ્છાઓ પત્ર દ્વારા મોકલવામાં આવી છે.
આ કાર્યક્રમમાં મુખ્ય કન્વીનર ડૉ યજ્ઞેશ દવે, મહામંત્રીશ્રીઓ ડૉ અશ્વિન ત્રિવેદી, ગીરીશભાઈ ત્રિવેદી, અતુલભાઇ દીક્ષિત, ખજાનચી રાજુભાઈ ઠાકર, પ્રવક્તા દિનેશ રાવલ, ઝોન પ્રભારી રાકેશ પાઠક, યુવા મુખ્ય કન્વીનર પાર્થ રાવલ, યુવા અધ્યક્ષ કશ્યપ જાની, ધર્મ અને આધ્યાત્મિક વિભાગ અધ્યક્ષ રાજેશભાઈ દવે ઉપસ્થિત રહ્યા હતા.