For the best experience, open
https://m.revoi.in
on your mobile browser.
Advertisement

અમદાવાદમાં કોંગ્રેસના રાષ્ટ્રીય અધિવનેશનમાં 1800થી વધુ મહાનુભાવો હાજરી આપશે

05:42 PM Apr 03, 2025 IST | revoi editor
અમદાવાદમાં કોંગ્રેસના રાષ્ટ્રીય અધિવનેશનમાં 1800થી વધુ મહાનુભાવો હાજરી આપશે
Advertisement
  • સાબરમતીના તટે તા. 8મી એપ્રિલથી બે દિવસ કોંગ્રેસનું અધિવેશન યોજાશે
  • અધિવેશનમાં 1400 AICC ડેલિગેટ્સ અને 440 કો-ઓપ્ટ સભ્યો હાજરી આપશે
  • મહાનુભાવો માટે વિવિધ ભાષાના જાણકારોની 40 ટીમો તૈનાત કરાશે

અમદાવાદઃ કોંગ્રસનું રાષ્ટ્રીય અધિવેશન અમદાવાદના સાબરમતીના તટે આગામી તા. 8 અને 9 એપ્રિલના રોજ યોજાશે. કોંગ્રેસના રાષ્ટ્રીય અધિવેશનમાં દેશભરમાંથી 1800 જેટલા મહાનુંભાવો હાજરી આપશે. જેમાં 8 એપ્રિલના રોજ સરદાર પટેલ સ્મારક ખાતે CWCની બેઠક યોજાશે. જ્યારે 9 એપ્રિલે સાબરમતી રિવરફ્રન્ટ ઇવેન્ટ સેન્ટર ખાતે યોજાનારા કોંગ્રેસના AICC અધિવેશનને લઈને તૈયારીઓ પુરજોશમાં ચાલી રહી છે.

Advertisement

અમદાવાદમાં તાય 8મી અને 9મી એપ્રિલના રોજ કોંગ્રેસનું રાષ્ટ્રીય અધિવેશન યોજાશે. સાબરમતી રિવરફ્રન્ટ ઇવેન્ટ સેન્ટરના ત્રણ બ્લોકમાં વિશાળ એસી જર્મન ડોમ ઊભો કરવામાં આવી રહ્યો છે. અંદાજે 3,000 જેટલા લોકો બેસી શકે એવી વ્યવસ્થા સાથેના ડોમ ઊભો કરવામાં આવી રહ્યો છે. ડોમ ઊભો કરવાની હાલમાં કામગીરી કરવામાં આવી રહી છે. A, B અને C એમ ત્રણ બ્લોકમાં આખો ડોમ ઊભો કરવામાં આવી રહ્યો છે. 8 એપ્રિલે 11 વાગ્યે શાહીબાગના સરદાર પટેલ સ્મારક ખાતે CWCની બેઠકમાં રાહુલ ગાંધી, સોનિયા ગાંધી, મલ્લિકાર્જુન ખડગે સહિતના CWCના સભ્યો હાજર રહેશે. CWCની બેઠકને લઈને સરદાર પટેલ સ્મારકમાં પણ જોરશોરમાં તૈયારીઓ ચાલી રહી છે.   ગુજરાત પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ શક્તિસિંહ ગોહિલના માર્ગદર્શન હેઠળ માઇક્રો પ્લાનિંગ કરવામાં આવી રહ્યું છે.

કોંગ્રેસ અધિવેશનમાં 33 રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોમાંથી 1400 AICC ડેલિગેટ્સ અને 440 કો-ઓપ્ટ સભ્યો આવી રહ્યા છે, જેની કુલ સંખ્યા 1840 થાય છે. આ મહાનુભાવોના આગમનથી લઈને રહેવા અને પરત જવા સુધીની વ્યવસ્થાનું સંપૂર્ણ સંકલન ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સંભાળી રહ્યું છે. દરેક ડેલિગેટ્સને કોઈપણ ભાષાકીય મુશ્કેલી ન થાય, તે માટે ખાસ તૈયારી કરવામાં આવી છે. કોંગ્રેસે હિન્દી, અંગ્રેજી, તામિલ, ઉડિયા સહિત વિવિધ ભાષાઓના જાણકાર કાર્યકર્તાઓમાંથી 40 ટીમો બનાવી છે. દરેક ટીમમાં 3-3 કાર્યકર્તાઓનો સમાવેશ કરવામાં આવ્યો છે, જે દેશભરમાંથી આવતા ડેલિગેટ્સ સાથે સંચાર અને સંકલન કરશે. આ તમામ ટીમોને વ્યવસ્થાની જવાબદારી સોંપવામાં આવી છે, જેથી અધિવેશન દરમિયાન કોઈ મુશ્કેલી ન થાય.

Advertisement

CWCની બેઠક માટે સરદાર પટેલ સ્મારકમાં આવેલા હોલ સામે એક વિશિષ્ટ પ્રકારનો ડોમ તૈયાર કરવામાં આવી રહ્યો છે. 150થી વધુ લોકો બેસી શકે એ પ્રકારનો એસી ડોમ તૈયાર કરવામાં આવી રહ્યો છે. 6 એપ્રિલ સુધીમાં ડોમ તૈયાર થશે. આ ડોમમાં બેઠક વ્યવસ્થા C શેપમાં રાખવામાં આવી છે. જ્યારે 9 એપ્રિલે સાબરમતીના તટે યોજાનારા રાષ્ટ્રીય અધિવેશનમાં દેશભરના કોંગ્રેસના નેતાઓ અને હોદ્દેદારો સામેલ થવાના છે. દરેકની બેઠક વ્યવસ્થા અલગ કરવામાં આવી છે. કોંગ્રેસની વર્કિંગ કમિટીના સભ્યોથી લઇને ઉચ્ચ નેતાઓ માટે સૌથી આગળ બેઠક કરવામાં આવી છે. નેશનલ યૂથ કોંગ્રેસ, સેવાદળ, મહિલા કોંગ્રેસ, NSUI અને દરેક પ્રદેશના પ્રમુખો બેસે એના માટે અલગથી બ્લોક ઊભા કરવામાં આવશે. દરેક અલગ અલગ બ્લોકમાં એલઇડીની વ્યવસ્થા પણ કરવામાં આવશે. કોંગ્રેસના દરેક રાજ્યના સંસદસભ્યો અને ધારાસભ્યોની અલગ બેઠક વ્યવસ્થા કરવામાં આવી છે. આ સંપૂર્ણ આયોજનનું મોનિટરિંગ રામકિશન ઓઝા, અમીબેન યાજ્ઞિક અને જેનીબેન ઠુમ્મર કરી રહ્યાં છે. આ મોનીટરીંગ ટીમોને દરેક ડેલિગેટ સાથે થયેલી વાતચીત અને વ્યવસ્થાની તમામ માહિતી જણાવવાનું પણ સૂચન આપવામાં આવ્યું છે.

Advertisement
Tags :
Advertisement