ગુજરાતમાં દિવાળીના ત્રણ દિવસમાં 15000થી વધુ ઈમરજન્સી કેસ નોંધાયા
- તહેવારોમાં સરેરાશ ઈમરજન્સીના 5060 કેસ નોંધાયા,
- સામાન્ય દિવસોની તુલનાએ 12,34 ટકા કેસ નોંધાયા,
- અમદાવાદમાં આમરજન્સીના કેસમાં 2.52 ટકાનો ઘટાડો
અમદાવાદઃ ગુજરાતમાં દિવાળીના તહેવારોમાં અકસ્માત, આગ કે ઈમરજન્સીને કારણે પોલીસ, ફાયર બ્રિગેડ અને 108ના તંત્રને એલર્ટ મોડ પર રાખવામાં આવતું હોય છે. દિવાળીના તહેવારોમાં આગ લાગવાની ઘટના, શારીરિક ઈજા અને રોડ અકસ્માત સહિતના અનેક બનાવ બન્યા હતા. દિવાળીના ત્રણ દિવસ દરમિયાન રાજ્યમાં કુલ 15,179 ઈમરજન્સી કેસ નોંધાયા હતા. જેમાં દરરોજની સરેરાશ 5,060 કેસ નોંધાયા હતા. જેમાં સામાન્ય દિવસની સરખામણીએ સરેરાશ 4504થી 12.34 ટકાનો વધારો નોંધાયો હતો.
દિવાળીના પર્વથી લઈને નવા વર્ષ પહેલા દિવસ 31મી ઓક્ટોબરથી બીજી નવેમ્બર એમ છેલ્લા 3 દિવસમાં આગને લીધે ઈમરજન્સીના 31મી ઑક્ટોબરે 38, પહેલી નવેમ્બરે 40 અને બીજી નવેમ્બરે 24 કેસ નોંધાયા હતા. જ્યારે અમદાવાદમાં 28, રાજકોટમાં 8, સુરત 25 અને ભરૂચમાં 7 જેટલા ફાયર ઈમરજન્સી કેસ નોંધાયા હતા. બીજી તરફ શારીરિક ઈજાના કુલ 988 કેસો નોંધાયા હતા. રાજ્યના મોટા ભાગના શહેરોમાં સરેરાશ 10થી વધુ કેસ નોંધાયા હતા.
આ ઉપરાંત છેલ્લા ત્રણ દિવસમાં રોડ અકસ્માતના કુલ 2,829 કેસ નોંધાયા હતા. દિવાળી (31મી ઓક્ટોબર) દિવસે 921, પહેલી નવેમ્બરે 827 અને નવા વર્ષ (બીજી નવેમ્બર)ના દિવસે 1,081 કેસ નોંધાયા હતા. સરેરાશ દૈનિક 943 કેસ હતા. આ 481 કેસની સામાન્ય સરેરાશથી 96.05% વધારો દર્શાવે છે. જોકે અમદાવાદમાં ઈમરજન્સીના કેસમાં એકંદરે 2.52 ટકાનો ઘટાડો જોવા મળ્યો હતો.
ઉલ્લેખનીય છે કે, ગુજરાતમાં દિવાળના દિવસે આગ લાગવાના અનેક બનાવો બન્યા હતા. જેમાં મોડી રાત સુધી ફાયર બ્રિગેડને કોલ મળતા રહ્યા હતા. દિવાળીને દિવસે લાગેલી આગના બનાવમાં દુકાન, મકાન, શોર્ટ સર્કિટ, સ્કૂલ, ગોડાઉન, ભંગાર, વાહન વગેરેમાં આગ લાગી હતી. આગના બનાવોમાં ભારે નુકસાન થયું છે.