For the best experience, open
https://m.revoi.in
on your mobile browser.
Advertisement

ભાવનગરના 130થી વધુ ખેલાડીઓને ગત વર્ષના મહાકુંભના પુરસ્કારની રકમ હજુ મળી નથી

05:35 PM Nov 22, 2025 IST | Vinayak Barot
ભાવનગરના 130થી વધુ ખેલાડીઓને ગત વર્ષના મહાકુંભના પુરસ્કારની રકમ હજુ મળી નથી
Advertisement
  • મેડલ મેળવનાર ખેલાડીઓને પુરસ્કારની રકમ એક-બે વર્ષ સુધી મળતી નથી,
  • ખેલાડીઓએ પ્રમાણપત્ર આપ્યા, પણ પુરસ્કાર ન અપાયો,
  • બેદરકાર અધિકારી-કર્મચારી સામે પગલા લેવા રમતવીરોએ કરી માગ

ભાવનગરઃ ગુજરાત સરકાર દ્વારા રમત-ગમત પ્રવૃતિને પ્રોત્સાહન આપવા માટે દર વર્ષે ખેલ મહાકુંભનું આયોજન કરવામાં આવે છે. જેમાં વિજેતા બનેલા રમતવીરોને પ્રમાણપત્રો તેમજ રોકડ પુરસ્કાર પણ આપવામાં આવે છે. પરંતુ ભાવનગર શહેર અને જિલ્લાના ઘણા ખેલાડીઓને ગત ખેલ મહાકુંભની પુરસ્કારની રકમ હજુ સુધી મળી નથી તેથી ખેલાડીઓમાં આક્રોશ જોવા મળી રહ્યો છે.

Advertisement

ભાવનગર સહિત રાજ્યભરમાં ખેલાડીઓને પ્રોત્સાહન આપવા સરકાર દ્વારા ખેલ મહાકુંભનું આયોજન કરવામાં આવે છે, જેમાં બહોળી સંખ્યામાં ખેલાડીઓ ભાગ લે છે અને રાજ્યકક્ષાએ મેડલ પણ મેળવે છે પરંતુ આ મેડલ મેળવનારા ખેલાડીઓને પુરસ્કારની રકમ એક-બે વર્ષ સુધી મળતી નથી.  ભાવનગર શહેર અને જિલ્લાના બાસ્કેટબોલ, હેન્ડબોલ, વોલીબોલ, એથ્લેટિક્સ સહિતના કેટલીક રમતના 130 થી વધુ ખેલાડીઓને ગત વર્ષના ખેલ મહાકુંભની ઈનામની રકમ મળી નથી તેથી ખેલાડીઓ કચવાટ કરતા નજરે પડી રહ્યા છે. ચાલુ વર્ષે ખેલ મહાકુંભ શરૂ થઈ ગયો છતાં ગત વર્ષના ઈનામની રકમ આયોજનના અભાવે હજુ સુધી વિજેતા ખેલાડીઓને ચુકવાઈ નથી.

શહેર અને જિલ્લામાં તાલુકા, ઝોન કક્ષા, જિલ્લાકક્ષા, રાજ્યકક્ષા વગેરે કક્ષાએ તબક્કાવાર ખેલ મહાકુંભ રમાડવામાં આવે છે અને ખેલાડીઓ ઉત્સાહભેર ખેલ મહાકુંભમાં ભાગ પણ લે છે ત્યારે તેઓને પુરસ્કારની રકમ સમયસર ન મળે ત્યારે ખેલાડીઓનો ઉત્સાહ ઘટી જતો હોય છે. ભાવનગરની રમત-ગમત કચેરીમાં ખેલાડીઓએ વારંવાર પ્રમાણપત્ર આપ્યા છે અને રજૂઆત પણ કરી છે પરંતુ હજુ ખેલાડીઓના ખાતામાં એક પણ રૂપિયો જમા થયો ન હોવાની ફરિયાદ ઉઠી છે. આ બાબતે જવાબદાર વિભાગે તત્કાલ ખેલાડીઓને પુરસ્કારની રકમ મળે તેવુ આયોજન કરવુ જોઈએ અને બેદરકાર અધિકારી-કર્મચારી સામે પગલા લેવા જોઈએ તેવી રમતવીરોમાં માગ ઊઠી છે.

Advertisement

ભાવનગર શહેર અને જિલ્લાના જે ખેલાડીઓને ગત વર્ષના ખેલ મહાકુંભની ઈનામની રકમ મળી નથી તેઓની જાણ ગાંધીનગર કચેરીને ભાવનગર જિલ્લાના રમત-ગમત અધિકારીએ કરી છે. આ અધિકારીએ 15 દિવસમાં પુરસ્કારની રકમ મળી જશે તેવુ જણાવ્યુ હતુ પરંતુ આ વાતને દોઢ માસ કરતા વધુ સમય થયો છતાં મોટાભાગના ખેલાડીઓને હજુ રકમ મળી નથી તેથી ખેલાડીઓ નારાજ જોવા મળી રહ્યા છે.

Advertisement
Tags :
Advertisement