For the best experience, open
https://m.revoi.in
on your mobile browser.
Advertisement

રાજકોટમાં 20 જેટલી સરકારી કચેરીઓનો 100 કરોડથી વધુ પ્રોપર્ટી ટેક્સ બાકી

05:11 PM Dec 09, 2024 IST | revoi editor
રાજકોટમાં 20 જેટલી સરકારી કચેરીઓનો 100 કરોડથી વધુ પ્રોપર્ટી ટેક્સ બાકી
Advertisement
  • સૌરાષ્ટ્ર યુનિનો 16.78 કરોડ અને રેલવેનો 16.50 કરોડ બાકી વેરો,
  • મ્યુનિ.કોર્પોરેશન બાકી વેરા અંગે ડિમાન્ડ નોટિસ આપીને સંતોષ માને છે,
  • કલેકટર કચેરી સહિત અનેક સરકારી ઈમારતોનો વેરો બાકી બોલે છે

રાજકોટઃ શહેરમાં નાગરિકોનો પ્રોપર્ટી ટેક્સ બાકી હોય તો સિલિંગ કરવા ઉપરાંત સખત પગલાં લેવામાં આવતા હોય છે. ત્યારે સરકારી ઈમારતોનો કરોડો રૂપિયાનો પ્રોપર્ટી ટેક્સ બાકી હોવા છતાંયે મ્યુનિ. કોર્પોરેશનના સત્તાધિશો માત્ર ડિમાન્ડ નોટિસ આપીને જ સંતોષ માને છે, શહેરની 20 જેટલી સરકારી મિલકતોનો 100 કરોડથી વધુ પ્રોપર્ટી ટેક્સ  અને પાણીવેરો બાકી છે. જેમાં સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના 16.78 કરોડ અને રેલવેના 16.50 કરોડ મળીને કુલ 32 કરોડથી વધુ રકમ બાકી છે. આ ઉપરાંત પણ કલેક્ટર કચેરી, સમરસ હોસ્ટેલ, પીડબલ્યુડી કચેરી, સિટી પોલીસ અને મેડિકલ કોલેજના મળીને કરોડો રૂપિયાનો વેરો વસૂલવો બાકી છે.

Advertisement

રાજકોટ મ્યુનિ.કોર્પોરેશન દ્વારા વેરા વસૂલાત ઝૂંબેશ ચલાવવામાં આવી રહી છે. જેમાં બાકી વેરો નહીં ભરતા આસમીઓની મિલકતોને ધડાધડ સીલ કરવામાં આવી રહી છે. જોકે, હંમેશાની માફક સરકારી મિલકતોનો બાકી વેરો વસૂલવા માટે ખાસ કોઈ કડક પગલાં લેવાતા નથી.  મ્યુનિ. કોર્પોરેશને પ્રોપ્રટી ટેક્સનો રૂપિયા 410 કરોડનો ટાર્ગેટ પુરો કરવા ટેક્સ વિભાગ દ્વારા ડિસેમ્બર માસની શરૂઆતથી જ રિકવરી અને સિલિંગ ઝૂંબેશ શરૂ કરી દીધી છે. સાથોસાથ શહેરમાં આવેલી કેન્દ્ર અને રાજ્ય સરકારની કચેરીઓ-અર્ધ સરકારી કચેરીઓનો લાંબા સમયથી બાકી રહેલો કરોડોનો મિલકતવેરો અને પાણીવેરો ભરપાઇ કરવા માટે વેરા બિલ સાથે ડિમાન્ડ નોટિસ આપવાનું પણ શરૂ કર્યું છે. શહેરની 47થી વધુ સરકારી અને અર્ધસરકારી કચેરીઓમાં 20 કચેરીઓ એવી છે કે, જેનો મિલકતવેરો અને પાણીવેરો લાંબા સમયથી બાકી છે.

રાજકોટ મ્યુનિ.કોર્પોરેશને જેનો પ્રોપર્ટી ટેક્સ અને પાણીવેરો લાંબા સમયથી બાકી બોલે છે તેવી સૌરાષ્ટ્ર યુનિવર્સિટીને 16.78 કરોડનો પ્રોપર્ટી ટેક્સ અને પાણીવેરાની ચડત રકમ તાકીદે ભરપાઈ કરવા નોટિસ ફટકારી છે. આવી જ રીતે, રેલવે તંત્રના 16.50, કલેકટર તંત્રના 12.94 સમરસ હોસ્ટેલના 12.45, પીડબલ્યૂડીના 11.95 તેમજ સિટી પોલીસના 10.24 કરોડનો મિલકત વેરો અને પાણીવેરો લાંબા સમયથી બાકી હોય આ તમામ કચેરીઓને તાકીદે ચડત વેરો ભરપાઈ કરવા નોટિસ આપવામાં આવી છે.

Advertisement

સૂત્રોના જણાવ્યા મુજબ આરએમસીએ સરકારી-અર્ધસરકારી કચેરીઓમાં જેનો 10 લાખથી વધુ રકમનો પ્રોપર્ટી ટેક્સ અને પાણીવેરો લાંબા સમયથી ભરપાઈ થતો નથી તેવી કચેરીઓની અલગ યાદી તૈયાર કરવામાં આવી છે. જેમાં સૌરાષ્ટ્ર યુનિ.નાં જુના બાકી મિલક્તવેરાના 15.42 કરોડ અને ચાલુવર્ષના 1.35 કરોડ મળી કુલ 16.78 કરોડની ચડત રકમ ભરપાઈ કરવા નોટિસ ફટકારવામાં આવી છે. રેલવે વિભાગનાં પણ લાંબા સમયથી બાકી 16.02 કરોડ અને ચાલુ વર્ષના મળીને 16.50 કરોડ વસૂલવા નોટિસ આપવામાં આવી છે. જોકે, રેલવે અને આરએમસી વચ્ચે વેરા મુદ્દે ત્રણ વર્ષ અગાઉ એમઓયુ થયા છે. જેમાં રેલવેએ મિલકત વેરાની રકમ ભરવાનું નક્કી થયું છે. આમ છતાં રેલવે તંત્ર મિલકતવેરો અને પાણીવેરો ભરપાઈ કરવામાં પ્રતિવર્ષ ગ્રાન્ટનું બહાનું આગળ ધરી દે છે. ઉપરાંત રાજ્ય સરકાર હસ્તકની જિલ્લા કલેક્ટર કચેરીનો 12.94 કરોડનો તેમજ સમરસ હોસ્ટેલનો 12.45 કરોડનો મિલકત અને પાણીવેરો, પીડબલ્યુડીનો 11.96 કરોડ જેટલો મિલકત અને પાણીવેરો સિટી પોલીસના 10.25 કરોડ જેટલી રકમ બાકી છે.

Advertisement
Tags :
Advertisement