પ્રયાગરાજ મહાકુંભમાં 10 દિવસમાં 10 કરોડથી વધુ શ્રદ્ધાળુઓએ પવિત્ર સ્નાન કર્યું
લખનૌઃ પ્રયાગરાજમાં ચાલી રહેલા મહાકુંભમાં આજે ધર્મ સંસદનું આયોજન કરવામાં આવ્યું છે. તેમાં ગૌ, સનાતન, હિન્દુ રાષ્ટ્ર સાથે કાશી મથુરાની મુક્તિ માટે નિર્ણય કરવામાં આવ્યો છે. સેકટર 19માં આવેલા મંડપમાં ધર્મ સંસદ યોજાશે. જેમાં સનાતન બોર્ડના ગઠન માટે પણ સંમતિ આપવામાં આવશે.
ધર્મ સંસદમાં ચાર પીઠના શંકરાચાર્ય, સહિત 13 અખાડાઓ તેમજ દેશના જુદા જુદા ભાગમાંથી આવેલા સંતો મહાત્માઓ જોડાશે. મહાકુંભમાં યુવાનો પણ મોટા પ્રમાણમાં આસ્થા સાથે આવી રહ્યા છે. યુવા ઇન્ફ્લુએન્સર્સ સોશિયલ મીડિયા ઉપર મહાકુંભના અનુભવો પણ વહેંચી રહ્યા છે. યુવાનોએ જણાવ્યું હતું કે આટલી મોટી સંખ્યામાં લોકો આવે છે છતાં અહીં સ્વચ્છતાનું પ્રમાણ જળવાયું છે. પ્રયાગરાજ મહાકુંભમાં 10 દિવસમાં દસ કરોડથી વધુ શ્રદ્ધાળુઓએ પવિત્ર સ્નાન કર્યું છે.
અત્રે ઉલ્લેખનીય છે કે, મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ મહાકુંભમાં ભાગ લઈ રહ્યાં છે. તાજેતરમાં જ દેશના જાણીતા ઉદ્યોગપતિ ગૌતમ અદાણીએ પરિવાર સાથે કુંભમેળામાં ભાગ લીધો હતો. ગઈકાલે મુખ્યમંત્રી યોગી અને તેમના કેબિનેટ મંત્રીઓએ પવિત્ર સ્નાન કર્યું હતું. આગામી દિવસોમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી પણ કુંભમેળામાં જાય તેવી શકયતાઓ વ્યક્ત થઈ રહી છે.