એશિયા કપ જીત્યા બાદ ભારતીય ટીમ પર વરસ્યો પૈસાનો વરસાદ, BCCIએ 21 કરોડના ઇનામની કરી જાહેરાત
નવી દિલ્હીઃ ભારતીય ક્રિકેટ ટીમે પાકિસ્તાનને હરાવીને એશિયા કપ 2025નો ખિતાબ પોતાના નામે કર્યો છે. ટી20 ફોર્મેટના ફાઇનલ મુકાબલામાં ભારતે પાકિસ્તાનને 5 વિકેટે પરાજય આપ્યો હતો. પાકિસ્તાનએ ભારતને 147 રનનો લક્ષ્યાંક આપ્યો હતો, જેને તિલક વર્મા, શિવમ દુબે અને સંજુ સેમસનના શાનદાર પ્રદર્શનથી ટીમ ઇન્ડિયાએ સહેલાઈથી હાંસલ કરી લીધો. આ સાથે ભારતે 9મી વાર એશિયા કપની ટ્રોફી જીતી છે.
ભારતીય ક્રિકેટ કન્ટ્રોલ બોર્ડ (BCCI)એ ટીમ ઇન્ડિયા અને તેના સપોર્ટ સ્ટાફ માટે 21 કરોડ રૂપિયાના ઇનામની રકમ જાહેર કરી છે. હાલ ખેલાડીઓને વ્યક્તિગત સ્તરે કેટલું મળશે તેની વિગતો જાહેર કરવામાં આવી નથી. ભારતે અત્યાર સુધી 7 વાર વનડે અને 2 વાર ટી20 ફોર્મેટમાં એશિયા કપ જીત્યો છે. ભારત સૌથી વધુ વખત આ ખિતાબ જીતનાર ટીમ છે, જ્યારે શ્રીલંકાએ 6 વાર અને પાકિસ્તાને ફક્ત 2 વાર એશિયા કપ જીત્યો છે.
ફાઇનલ મુકાબલામાં પાકિસ્તાની ટીમે પહેલા બેટિંગ કરીને 146 રન બનાવ્યા હતા. સાહિબજાદા ફરહાન અને ફખર જામાને 84 રનની ભાગીદારી આપી સારી શરૂઆત કરાવી હતી. પરંતુ ત્યારબાદ બેટિંગ લાઇનઅપ ધરાશાયી થઈ ગઈ હતી અને આખી ટીમ 146 રનમાં ઓલઆઉટ થઈ ગઈ હતી. ભારત માટે કુલદીપ યાદવે સૌથી વધુ 4 વિકેટ ઝડપી હતી, જ્યારે વરુણ ચક્રવર્તી, અક્ષર પટેલ અને જસપ્રીત બુમરાહે 2-2 વિકેટ મેળવી હતી.
ભારતીય બેટિંગમાં તિલક વર્માએ 53 બોલમાં 69 રન બનાવ્યા હતા, જેમાં 3 ચોગ્ગા અને 4 છગ્ગા સામેલ હતા. તેમના સાથેજ શિવમ દુબેએ 22 બોલમાં 33 રન બનાવ્યા હતા. આ પ્રદર્શનથી ભારતે એક વધુ ખિતાબ પોતાના નામે કરી પાકિસ્તાન સામે ઐતિહાસિક વિજય મેળવ્યો હતો.