વલસાડ ખાતે શ્રીમદ રાજચંદ્ર મિશન અને શ્રી સદગુરુધામની મોહન ભાગવતએ લીધી મુલાકાત
અમદાવાદઃ આરએસએસના વડા મોહન ભાગવત ગુજરાતની મુલાકાતે આવ્યાં હતા. દક્ષિણ ગુજરાતની મુલાકાત દરમિયાન તેમણે શ્રીમદ રાજચંદ્ર મિશનની મુલાકાત લીધી હતી. તેમજ વિવિધ લોકકલ્યાણ કાર્યોનો પ્રારંભ કરાવ્યો હતો.
રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના સરસંઘચાલક મોહનજી ભાગવતએ 2 જાન્યુઆરીને ગુરુવારના રોજ ધરમપુર ખાતે તે શ્રીમદ્ રાજચંદ્ર મિશન અને શ્રી સદગુરુધામ, બરૂમાળ, ધરમપુર ની મુલાકાત લીધી હતી. જ્યાં મોહનજી ભાગવતએ ‘શ્રીમદ રાજચંદ્રજી’ની પૂર્ણકદની પ્રતિમાના દર્શન કરી જલાભિષેક કર્યો હતો ત્યારબાદ ગુરુદેવ રાકેશજીના સથવારે જિનમંદિર જઈ ભગવાન મહાવીરનાં દર્શન કર્યા હતા. આ અવસરે મોહનજી ભાગવતનાં હસ્તે શ્રીમદ રાજચંદ્ર વેટરનરી કોલેજનું શિલાન્યાસ કરાયું અને ધરમપુર શ્રીમદ રાજચંદ્ર હોસ્પિટલ અને રિસર્ચ સેન્ટર દ્વારા આયોજિત ચાર દિવસીય મફત સર્વરોગ નિદાન અને સારવાર કેમ્પનું દીપ પ્રજ્વલિત કરી ઉદ્ઘાટન કર્યું હતું. જેમાં દેશ-વિદેશનાં 150 થી વધુ ડોકટરોની ટીમ દ્વારા તમામ પ્રકારની મેડિકલ સેવાઓ આપવામાં આવશે. શ્રીમદ્ રાજચંદ્ર મિશન ધરમપુરની મુલાકાત બાદ મોહનજી ભાગવતએ શ્રી સદગુરુધામ, બરૂમાળની મુલાકાત લીધી હતી જ્યાં પ. પૂ. વિદ્યાનંદ સરસ્વતી મહારાજના દર્શન કરી તેમની જોડે વાર્તાલાપ કર્યો હતો.