હોમગુજરાતદેશ-વિદેશરાજનીતિમનોરંજનટેકનોલોજીવેપારપ્રવાસરમત - ગમતરિવોઈહિરોઝ
Advertisement

ગુજરાતમાં ઓઈલ અને રાસાયણિક આપત્તિ વ્યવસ્થાપન માટે મોકડ્રીલ શુક્રવારે યોજાશે

06:06 PM Nov 18, 2025 IST | Vinayak Barot
Advertisement

ગાંધીનગરઃ વડાપ્રધાન  નરેન્દ્રભાઈ મોદીની પ્રેરણાથી ભારત સરકારની રાષ્ટ્રીય આપત્તિ વ્યવસ્થાપન સત્તામંડળ તથા ગુજરાતના મુખ્યમંત્રી  ભૂપેન્દ્રભાઈ પટેલના માર્ગદર્શન હેઠળ ગુજરાત રાજ્ય આપત્તિ વ્યવસ્થાપન સત્તામંડળના સંયુક્ત ઉપક્રમે ગુજરાતમાં તેલ અને રાસાયણિક આપત્તિ વ્યવસ્થાપન માટે રાજ્ય સ્તરની મોકડ્રીલનું આયોજન કરવામાં આવ્યું છે.

Advertisement

ગુજરાતના વિવિધ જિલ્લામાં સ્થિત મુખ્ય રિફાઇનરીઓ અને રાસાયણિક હબ ખાતે આગામી તા. 21 નવેમ્બરના રોજ યોજાનારી આ મોકડ્રીલની તૈયારીઓ સુનિશ્ચિત કરવા આપત્તિ વ્યવસ્થાપન રાજ્ય મંત્રી  સંજયસિંહ મહીડાની ઉપસ્થિતિમાં SEOC-ગાંધીનગર ખાતે ટેબલ ટોપ એક્સરસાઇઝ યોજાઈ હતી, જેમાં મંત્રી  મહીડાએ મોકડ્રીલને વધુ સાર્થક અને સફળ બનાવવા તમામ સંલગ્ન વિભાગો-સંસ્થાઓને જરૂરી માર્ગદર્શન આપ્યું હતું.

મંત્રી  સંજયસિંહ મહિડાએ ટેબલ ટોપ એકસરસાઈઝમાં જણાવ્યું હતું કે, આ મોકડ્રિલનો મુખ્ય ઉદ્દેશ્ય ઓઇલ અને કેમિકલ ઉદ્યોગોમાં ભવિષ્યમાં અકસ્માત સર્જાય ત્યારે ત્વરિત પ્રતિભાવ આપવા માટેની રાજ્યની તૈયારી, વિવિધ સરકારી વિભાગો અને ખાનગી ઉદ્યોગો વચ્ચેનો સંકલન અને માનવ સંસાધન તથા સાધનોની અસરકારકતા ચકાસવાનો છે. ગુજરાત એક ઔદ્યોગિક રાજ્ય હોવાને કારણે રાજ્યમાં આવતી દરેક આપત્તિઓ માટે સજ્જ રહેવું ખૂબ જ અનિવાર્ય છે. એમાં પણ જામનગર, હજીરા, વાડીનાર અને કંડલા જેવા સ્થળોએ મુખ્ય રિફાઇનરીઓ, રાસાયણિક હબ અને મોટા ટેન્ક-સ્ટોરેજ સુવિધાઓની હાજરીને કારણે દરેક કટોકટી સામે સંપૂર્ણપણે તૈયાર રહેવું આવશ્યક છે.

Advertisement

તેમણે ભૂતકાળમાં બનેલી ભોપાલ ગેસ દુર્ઘટના અને વિશાખાપટ્ટનમ સ્ટાયરીન ગેસ લીક જેવી વિનાશક ઘટનાઓનો ઉલ્લેખ કરીને ઓઈલ અને રાસાયણિક અકસ્માતો સામે તૈયારીનું મહત્ત્વ પણ સમજાવ્યું હતું.

મંત્રીએ ઉમેર્યું હતું કે, આ મોકડ્રીલ પૂરવાર કરશે કે, આપણું ગુજરાત સંકટના સમયે એક સંયુક્ત ટીમ તરીકે કાર્ય કરવા માટે સંપૂર્ણપણે સજ્જ છે. આ ઉપરાંત મંત્રીએ દેશના આર્થિક હિતો માટે રાજ્યના સૌથી મહત્ત્વપૂર્ણ મોટા પેટ્રોકેમિકલ હબ, રિફાઇનરીઓ અને ઔદ્યોગિક ક્લસ્ટર્સની સલામતી સુનિશ્ચિત કરવાની જવાબદારી પર વિશેષ ભાર મૂક્યો હતો. તેમણે મોકડ્રીલમાં સહભાગી થવા બદલ રિલાયન્સ, નાયરા, ONGC OPaL, પેટ્રોનેટ LNG અને દીનદયાલ પોર્ટ મુંદ્રા જેવા મુખ્ય ઉદ્યોગોની પ્રશંસા કરી હતી. મંત્રીએ મોકડ્રીલ સાથે સંકળાયેલા તમામ વિભાગોને સંપૂર્ણ-પાયાની મોક એક્સરસાઈઝ પહેલાં અંતરાલો ઓળખવા અને તેને સંબોધવા વિનંતી કરી હતી, જેથી ગુજરાતને કટોકટી વ્યવસ્થાપનમાં રાષ્ટ્રીય મોડેલ બનાવી શકાય.

ગુજરાતને આપત્તિ વ્યવસ્થાપનનું રોલ મોડલ રાજ્ય ગણાવતા મહેસૂલ વિભાગના અધિક મુખ્ય સચિવ ડૉ. જયંતિ રવિએ જણાવ્યું હતું કે, ગુજરાત પર આવતી દરેક આપત્તિ માટે સંપૂર્ણ વ્યવસ્થાને સજ્જ કરવા માટે રાજ્ય સરકાર દ્વારા દર વર્ષે વિવિધ વિષયો પર આપત્તિ વ્યવસ્થાપનની મોકડ્રીલનું આયોજન કરવામાં આવે છે. ગુજરાત દેશનું મેજર પેટ્રો કેમિકલ હબ હોવાથી ઓઈલ અને રસાયણ સંબંધિત આવતી કોઇપણ આપત્તિ સામે તૈયાર રહેવું પણ ખૂબ જ જરૂરી છે. આપત્તિના સમયે રાજ્યનો દરેક વિભાગ અને એજન્સીઓ એક-બીજા સાથે તાલમેલથી વ્યવસ્થાપનનું કામ કરી શકે તે માટે આ મોકડ્રીલનું આયોજન કરવામાં આવ્યું છે. તેમણે મોકડ્રીલને વધુ સાર્થક બનાવવા દરેક નોડલ અધિકારીઓને સક્રિય રીતે ભાગ લઈને અંતરાલો દૂર કરવા માટે જરૂરી સૂચનો કરવા માટે આહ્વાન કર્યું હતું.

આ ટેબલ ટોપ એક્સરસાઇઝમાં NDMA, GSDMA, SEOC, NDRF, SDRF, વિવિધ સૈન્ય દળો ઉપરાંત વિવિધ સંલગ્ન વિભાગો, સંસ્થાઓના પ્રતિનિધિ-નોડલ અધિકારીશ્રીઓ તેમજ જિલ્લા કલેકટરઓએ મોકડ્રીલ માટેની સંપૂર્ણ તૈયારીઓની માહિતી આપી હતી. જ્યારે, ઉપસ્થિત મહાનુભાવોએ સંપૂર્ણ તૈયારીઓની સમીક્ષા કરીને જરૂરી માર્ગદર્શન આપ્યું હતું.

 

Advertisement
Tags :
Aajna SamacharBreaking News GujaratigujaratGujarati AkhbarGujarati HeadlinesGujarati newsGujarati News ChannelGujarati NewspaperGujarati ReportGujarati samacharLatest News Gujaratilocal newsLocal SamacharLokpriya SamacharMajor NEWSMock Drill on FridayMota BanavNews ArticleNews BlogNews in GujaratiNews LiveNews UpdatesOil and Chemical Disaster ManagementPopular NewsSamachar ArticleSamachar BlogSamachar LiveSamachar SamacharTaja Samacharviral news
Advertisement
Next Article