મોબાઈલ ફોન વપરાશકારના ખિસ્સાને પડશે અસર, ટેલિકોમ કંપનીઓ રિચાર્જ પ્લાન મોંઘા કરશે
આજના આધુનિક જમાનામાં મોટાભાગના લોકો મોબાઈલ ફોન વાપરી રહ્યાં છે પરંતુ હવે દેશની બધી ટેલિકોમ કંપનીઓ ટૂંક સમયમાં તેમના રિચાર્જ પ્લાન મોંઘા કરવાની તૈયારી કરી રહી છે. એક અહેવાલ મુજબ, ભારતના અગ્રણી ટેલિકોમ ઓપરેટરો ભારતી એરટેલ, રિલાયન્સ જિયો અને વોડાફોન આઈડિયા (Vi) આ વર્ષના અંત સુધીમાં ફરી એકવાર ટેરિફમાં વધારો કરવાની જાહેરાત કરી શકે છે. જેથી મોબાઈલ ફોન વપરાશકારોના ખિસ્સાને અસર થશે.
અહેવાલ મુજબ, વૈશ્વિક બ્રોકરેજ ફર્મ બર્નસ્ટેઇનના વિશ્લેષણ પ્રમાણે ભારતીય ટેલિકોમ કંપનીઓ ડિસેમ્બર 2025 સુધીમાં ટેરિફમાં 10 થી 20 ટકાનો વધારો કરી શકે છે. છેલ્લા છ વર્ષમાં આ ચોથો મોટો ટેરિફ વધારો હોઈ શકે છે. અગાઉ, જુલાઈ 2024 માં, કંપનીઓએ ટેરિફમાં 25% સુધીનો વધારો કર્યો હતો. એવું કહેવામાં આવી રહ્યું છે કે આ વધારો નવેમ્બર-ડિસેમ્બર 2025 દરમિયાન કરવામાં આવી શકે છે. રિપોર્ટ અનુસાર, આ ટેરિફ વધારો ટેલિકોમ ઉદ્યોગની આવક સુધારવામાં એક મુખ્ય ઉત્પ્રેરક સાબિત થઈ શકે છે.
બર્નસ્ટેઇનનો અંદાજ છે કે એરટેલ અને જિયોની આવક વૃદ્ધિ 2025 અને 2027 વચ્ચે મધ્યમથી ઊંચી ગતિએ રહેશે. આનું મુખ્ય કારણ નવા ગ્રાહકોની સંખ્યામાં સ્થિર વધારો અને ARPU (વપરાશકર્તા દીઠ સરેરાશ આવક) માં મજબૂતાઈ છે. કંપનીઓ ફક્ત નવા ગ્રાહકો ઉમેરવા પર જ કામ કરી રહી નથી, પરંતુ હાલના ગ્રાહકો પાસેથી વધુ આવક મેળવવાની વ્યૂહરચના પર પણ કામ કરી રહી છે. કંપનીઓ 2019-2025 જેવી આક્રમક વૃદ્ધિને બદલે સ્થિર 10% CAGR (વાર્ષિક વૃદ્ધિ દર)નું લક્ષ્ય રાખવા માંગે છે.