ભારત બંધને મિશ્ર પ્રતિસાદ, બિહાર- પશ્ચિમ બંગાળ અને કેરલમાં બંધની જોવા મળી વ્યાપક અસર
નવી દિલ્હીઃ રાષ્ટ્રીય ટ્રેડ યુનિયને દેશભરમાં ભારત બંધનું એલાન આપ્યું છે. બુધવારે પશ્ચિમ બંગાળ અને કેરળ સહિત અનેક રાજ્યોમાં ભારત બંધની અસર જોવા મળી હતી. કેરળમાં દેખાવકારો દ્વારા રસ્તાઓ બ્લોક કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. જ્યારે ઘણા રાજ્યોમાં બેંક કામગીરી પણ પ્રભાવિત થઈ છે. અહેવાલ મુજબ, આ હડતાળમાં લગભગ 25 કરોડ કર્મચારીઓ ભાગ લઈ રહ્યા છે. હડતાળનું કારણ સરકારનો નવો શ્રમ કાયદો છે. દેશના 10 ટ્રેડ યુનિયનો વિરોધમાં સામેલ છે.
કેરળના કોઈમ્બતુરમાં ઘણી બસો બંધ કરવામાં આવી હતી, જ્યારે કોઝિકોડમાં પણ ભારત બંધની અસર જોવા મળી હતી. અહીંના રસ્તાઓ પર જાહેર પરિવહન બંધ હતું. કોટ્ટાયમમાં દુકાનો અને શોપિંગ મોલ બંધ રહ્યા હતા. કોચીમાં સૂમસામ જોવા મળ્યા હતા. આમ અહીં પણ ભારત બંધ સંપૂર્ણપણે જોવા મળ્યો હતો. પશ્ચિમ બંગાળના કોલકાતામાં, ડાબેરી પક્ષોના સંઘે જાધવપુરમાં પગપાળા કૂચ કાઢી અને ભારત બંધમાં ભાગ લીધો હતો. ડાબેરી સંઘના કાર્યકરોએ જાધવપુર રેલ્વે સ્ટેશન પર હોબાળો મચાવ્યો હતો. ઘણા કામદારો રેલ્વે સ્ટેશનની અંદર ઘૂસી ગયા હતા. બંધને કારણે ઘણી જગ્યાએ ટ્રેનોના સંચાલનને પણ અસર થઈ છે. કોલકાતામાં કેટલીક જગ્યાએ આગચંપીની ઘટનાઓ બની છે. કોલકાતામાં ડાબેરી પક્ષોના કાર્યકરોએ રસ્તો બ્લોક કરવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ પોલીસ પણ ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી. પોલીસે ઘણા કાર્યકરોને સ્થળ પરથી ભગાડી દીધા હતા.
ભારત બંધને ઇન્ડિયન નેશનલ ટ્રેડ યુનિયન કોંગ્રેસ, હિંદ મઝદૂર સભા, સેન્ટર ઓફ ઇન્ડિયન ટ્રેડ યુનિયન્સ, ઓલ ઇન્ડિયા ટ્રેડ યુનિયન કોંગ્રેસ, સેફ એમ્પ્લોય્ડ વિમેન્સ એસોસિએશન ,ઓલ ઇન્ડિયા સેન્ટ્રલ કાઉન્સિલ ઓફ ટ્રેડ યુનિયન્સ, યુનાઇટેડ ટ્રેડ યુનિયન કોંગ્રેસ, લેબર પ્રોગ્રેસિવ ફેડરેશન અને ટ્રેડ યુનિયન કો-ઓર્ડિનેશન સેન્ટર (TUCC)એ સમર્થન આપ્યું હતું.