મહેસાણામાંથી નકલી વિદેશી દારૂ બનાવતી મિની ફેક્ટરી ઝડપાઇ
અમદાવાદઃ મહેસાણા જિલ્લાના કડીમાંથી પોલીસે અચરાસણ ગામની સીમમાં આવેલા એક ખેતરના ઓરડામાંથી નકલી વિદેશી દારૂ બનાવવાની મિની ફેક્ટરી ઝડપી પાડી છે. પોલીસે આ કાર્યવાહી દરમિયાન કલર, માલ્ટ, કેમિકલ અને આલ્કોહોલ મિક્સ કરી દારૂ બનાવતાં બે શખ્સની ધરપકડ કરી છે અને 100 લિટરથી વધુ નકલી વિદેશી દારૂ જપ્ત કર્યો છે.
ઉલ્લેખનીય છે કે છેલ્લા કેટલાક વર્ષોથી સમગ્ર ગુજરાત અને દેશમાં નકલી વસ્તુઓનું ચલણ વધ્યું છે, જેમાં નકલી પોલીસ અધિકારી, PMO કર્મચારી અને ખાદ્ય પદાર્થોના કેસો સામે આવ્યા છે.કડી પોલીસ સ્ટેશનના પીઆઇ એ.એન.સોલંકીના અને તેમની ટીમ પ્રોહિબિશનની કામગીરી અંતર્ગત પેટ્રોલિંગમાં હતી. આ દરમિયાન તેમને બાતમી મળી હતી કે, અચરાસણ ગામની સીમમાં છેલ્લા કેટલાક સમયથી નકલી વિદેશી દારૂની ફેક્ટરી ધમધમી રહી છે.
કડી પોલીસને માહિતી મળી હતી કે કડીના અચરાસણ ગામની સીમમાં આવેલી વિશ્વરાજ રબર ઇન્ડસ્ટ્રીઝ નામની ફેક્ટરીની સામે એક ખેતર આવેલું છે, જેમાં ઓરડી છે તેની અંદર કેટલાક ઈસમો કેમિકલ મિક્સ કરીને વિદેશી દારૂ બનાવી રહ્યા છે.જે આધારે પોલીસ દ્વારા રેડ કરવામાં આવી હતી. જ્યાં પોલીસે વિદેશી દારૂ બનાવતી મિની ફેક્ટરી ઝડપી પાડી હતી. વિદેશી દારૂ બનાવતા ગગન જયંતીભાઈ અને હર્ષદ મગનભાઈ વાઘેલા ઓરડીના ભોંયતળિયે બેસી ઇંગ્લિશ દારૂની કાચની બોટલ પર હેન્ડ પ્રેસિંગ મશીનથી બુચ બંધ કરી રહ્યા હતા. જેઓને પોલીસ દ્વારા રંગેહાથ ઝડપી પાડ્યા હતા.
પોલીસે સ્થળ ઉપરથી અલગ-અલગ કેમિકલ મિક્સ કરીને રોયલ ચેલેન્જ ફ્લેવરનો 100 લિટર નકલી વિદેશી દારૂ કિંમત રૂપિયા 61,300 અને 450 લિટર કેમિકલ ઝડપી પાડ્યું હતું.આ કેમિકલ બાબતે આરોપીઓને પૂછતાં તેઓએ જણાવ્યું હતું કે, અલગ-અલગ કેમિકલમાં પાણી નાખી, આલ્કોહોલ ભેળવી તેની અંદર કલર, માલ્ટ અને ફ્લેવર નાખી નકલી વિદેશી દારૂ તૈયાર કરવામાં આવતો હતો. આ સાથે પોલીસે 450 લિટર આલ્કોહોલ કિંમત રૂપિયા 22,500 પણ કબજે કર્યું હતું.