ગાંધીનગર નજીક સાબરમતી નદીમાં રેતીની ચોરી સામે ખનીજ વિભાગના દરોડા
- ખનીજ વિભાગે રેતી ભરેલા બે ડમ્પર સહિત 80 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો,
- ખનીજ વિભાગના દરોડાથી રેતીચોરોમાં ફફડાટ,
- ચોર શખસો સામે પોલીસ ફરિયાદ
ગાંધીનગરઃ જિલ્લાના શાહપુર ગામની સાબરમતી નદીના પટમાં બેરોકટોક રેતીની ચોરી થતી હોવાની ફરિયાદો ઊઠ્યા બાદ ખાણ ખનિજ તંત્રની ટીમે શાહપુર નજીક સાબરમતી નદીમાં રેડ પાડીને રેતી ભરેલા બે ડમ્પરો સહિત 80 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો. તંત્ર દ્વારા ખનીજચોરો સામે પોલીસ ફરિયાદ પણ નોંધવામાં આવી છે.
સૂત્રોના જણાવ્યા મુજબ ગાંધીનગરના ડભોડા પોલીસ મથકની હદમાં શાહપુર ગામની નજીક સાબરમતી નદીમાં ખાણ ખનીજ તંત્રની ટીમ દ્વારા રેડ પાડીને સુવ્યવસ્થિત રેત ખનનનાં નેટવર્કનો પર્દાફાશ કરાયો હતો. રાત્રિ દરમિયાન શાહપુર ગામમાં ગિફ્ટ સિટી જતાં સાબરમતી નદીના બ્રિજની નીચે 100 ડમ્પરો દ્વારા સાદીરેતી ખનિજનું બિનઅધિકૃત ખનન અને વહન થઇ રહ્યું હોવાની ફરિયાદ મળતા મદદનીશ ભૂસ્તર શાસ્ત્રી પ્રણવસિંહ સહીતની ટીમ દ્વારા દરોડો પાડવામાં આવ્યો હતો. ખાણ ખનિજની ટીમ ત્રાટકતા જ ભૂમાફિયાઓમાં નાસભાગ મચી ગઈ હતી. બાદમાં ટીમ દ્વારા વધુ તપાસ કરવામાં આવતાં ડમ્પરોમાં સાદીરેતી ભરેલ હતી અને બંને લોડરો અને બે ડમ્પરોને ગુજરાત મીનરલ્સ (પ્રીવેન્શન ઓફ ઈલ્લીગલ માઈનીંગ, ટ્રાન્સપોર્ટેશન એન્ડ સ્ટોરેજ) રુલ્સ-2017 ના નિયમ-12(2)(અ) હેઠળ સીઝ કરી લેવાયા હતા. બાદમાં સાદી રેતીના જથ્થાનું વજન કરવામાં આવતાં બંને વાહનોમાં 50-50 મેટ્રિક ટન સાદી રેતી હોવાનું સામે આવ્યું હતું.
આ અંગે ખાણ ખનિજ તંત્રના સૂત્રોએ જણાવ્યું કે, ઓક્ટોબર મહિનામાં અત્રે બિનઅધિકૃત ખનન વાળા વિસ્તારની માપણી કરવા ટીમ ગઈ હતી. એ વખતે અરવિંદભાઈ અમરાજી વણઝારા (રહે-વણઝારા વાસ,શાહપુર) ની પૂછતાંછ કરતાં ખનન/વહન સબબ ઝડપાયેલ ઉપરોકત બંને ડમ્પરો અને બંને લોડરો તેના હસ્તકના હોવાની કબૂલાત કરી હતી. અત્રેના વિસ્તારની માપણી કરવામાં આવતાં કુલ 17308.64 મે.ટન સાદી રેતી ખનિજનું બિનઅધિકૃત ખોદકામ કરાયાનું સામે આવ્યું છે. જેનાં પગલે અરવિંદભાઈ અમરાજી વણઝારા, રોહિતભાઈ કાનજીભાઈ ઓડ (રહે-પ્રાંતિજ), કાર્તિક ગણેશભાઈ ભરવાડ( રહે-કુડાસણ) અને શેલાભાઈ માયાભાઇ ગમારા (રહે -સમઢીયાળા, તા.જી.બોટાદ) વિરુદ્ધ નામ જોગ ફરિયાદ કરવામાં આવી છે. ઉપરોક્ત ભૂ માફિયાઓએ નદીના પટમાંથી બિનઅધિકૃત ખનન અને વહન કરીને રૂ. 68 લાખ 71 હજારની ખનિજ ઉલેચી લીધું હોવાનું પણ વધુ તપાસમાં બહાર આવ્યું છે. જેનાં પગલે સાદી રેતી 80 લાખનો મુદ્દામાલ પણ કબજે લઈ ઉપરોક્ત ભૂ માફિયા વિરુદ્ધ ગુનો દાખલ કરાવવામાં આવ્યો છે.