10 વર્ષમાં દેશમાં દૂધનું ઉત્પાદન 63 ટકા વધ્યું, ભારત વૈશ્વિક સ્તરે પ્રથમ સ્થાન પર
નવી દિલ્હી : દેશમાં દૂધનું ઉત્પાદન છેલ્લા દસ વર્ષમાં નોંધપાત્ર રીતે વધ્યું છે. વર્ષ 2013-14માં 146 મિલિયન ટન રહેલું દૂધનું ઉત્પાદન હવે 63 ટકા વધીને 239 મિલિયન ટનથી વધુ થઈ ગયું છે. આ વૃદ્ધિ સાથે ભારત વૈશ્વિક દૂધ ઉત્પાદનમાં પ્રથમ સ્થાન ધરાવે છે અને વિશ્વના કુલ પુરવઠામાં લગભગ એક ચોથો હિસ્સો આપે છે.
મત્સ્યઉદ્યોગ, પશુપાલન અને ડેરી મંત્રાલય દ્વારા આપવામાં આવેલી માહિતી અનુસાર, હાલ ડેરી ક્ષેત્ર રાષ્ટ્રીય અર્થતંત્રમાં પાંચ ટકા યોગદાન આપી રહ્યું છે અને આઠ કરોડથી વધુ ખેડૂતોને સીધી રોજગારી પૂરી પાડી રહ્યો છે.
છેલ્લા દાયકામાં દેશમાં પ્રતિ વ્યક્તિ દૂધની ઉપલબ્ધતામાં પણ વધારો નોંધાયો છે. વર્ષ 2023-24 દરમિયાન પ્રતિ વ્યક્તિ દૂધની ઉપલબ્ધતા 471 ગ્રામથી વધુ થઈ છે, જે વિશ્વની સરેરાશ 322 ગ્રામ પ્રતિ વ્યક્તિ કરતાં ઘણો વધારે છે. વિશેષજ્ઞોના મતે, દૂધ ઉત્પાદનમાં આ સતત વધારો પોષણ સુરક્ષાને મજબૂત બનાવવામાં પણ મહત્વપૂર્ણ સાબિત થઈ રહ્યો છે.