મેક્સિકો: બંદૂકધારીઓએ કરેલા અંધાધૂંધ ગોળીબારમાં 8ના મોત, 2 ઘાયલ
મેક્સિકો સિટીઃ ઉત્તર-મધ્ય મેક્સિકોમાં રસ્તાની બાજુની દુકાનમાં ગ્રાહકો અને પસાર થતા લોકો પર બંદૂકધારીઓએ ગોળીબાર કરતાં આઠ લોકો માર્યા ગયા અને અન્ય બે ઘાયલ થયા હતા. ગુઆનાજુઆટો રાજ્યના પ્રોસિક્યુટર્સે જણાવ્યું કે ગોળીબાર મોડી રાત્રે અપાસિયો અલ ગ્રાન્ડે શહેરમાં થયો હતો. આ પ્રાંતમાં ગેંગ વચ્ચે ગોળીબારના બનાવો પ્રકાશમાં આવતા રહે છે. તેમણે કહ્યું કે આ લોકો દુકાનની બહાર જ ઉભા હતા. આ હુમલામાં એક પુરુષ અને એક મહિલા પણ ઘાયલ થયા છે, પરંતુ તેમની હાલત વિશે હાલ કોઈ માહિતી નથી.
સ્થાનિક મીડિયાના અહેવાલો અનુસાર ફાયરિંગમાં એક આરોગ્ય કર્મચારીનું પણ મોત થયું છે. સરકારી એજન્સીએ જણાવ્યું હતું કે મોડી રાત્રે એક ટેકનિશિયનનું મૃત્યુ થયું હતું. જોકે, તેમણે એ વાતની પુષ્ટિ કરી નથી કે તે હુમલામાં માર્યા ગયેલા લોકોમાંથી એક હતો કે કેમ. સોશિયલ મીડિયા પર ફરતા થયેલા વીડિયોમાં, દુકાનની બહાર પાર્ક કરેલી વાહન નજીક માથા પર ઇજાના નિશાન સાથે પુરુષોના મૃતદેહ જોવા મળ્યા હતા.