નવરાત્રીમાં તા.26મીથી 1લી ઓક્ટોબર સુધી રાતના 2 વાગ્યા સુધી મેટ્રો દોડશે
- મુસાફરી માટે ફક્ત રૂ. 50ની સ્પેશિયલ પેપર ટિકિટ જ માન્ય રહેશે,
- સેક્ટર-1થી મોટેરા સ્ટેડિયમ માટે ટ્રેન ઉપડવાનો છેલ્લો સમય 1નો રહેશે,
- એ.પી.એમ.સી. ટર્મિનલ સ્ટેશનથી ટ્રેન ઉપડવાનો છેલ્લો સમય મોડી રાતે 2 વાગ્યાનો રહેશે,
અમદાવાદઃ શહેરમાં દરેક સોસાયટીઓ, પાર્ટી પ્લોટ્સ અને કલબોમાં મોડી રાત સુધી નવરાત્રી ઉત્સવમાં યુવક-યવતીઓ ગરબે ઘૂમી રહ્યા છે. નવરાત્રિમાં ખેલૈયાઓની અવરજવરના લીધે રાત્રે એક બે વાગ્યે પણ રસ્તા પર સાંજના આઠ વાગ્યા જેવો ટ્રાફિક જોવા મળી રહ્યો છે. ત્યારે શહેરીજનો માટે મેટ્રો ટ્રેનની સેવા રાતના 2 વાગ્યા સુધી દોડાવવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.
સૂત્રોના જણાવ્યા મુજબ અમદાવાદમાં નવરાત્રિના તહેવારને લઈને મેટ્રો ટ્રેનના સમયમાં વધારો કરવામાં આવ્યો છે. અમદાવાદમાં થલતેજ ગામ, વસ્ત્રાલ ગામ, કોટેશ્વર રોડ અને એ.પી.એમ.સી. ટર્મિનલ સ્ટેશનથી ટ્રેન ઉપડવાનો છેલ્લો સમય મોડી રાતે 2 વાગ્યાનો રહેશે. ગાંધીનગર માટે મોટેરાથી સેક્ટર-1 જવા માટે ટ્રેન ઉપડવાનો છેલ્લો સમય મોડી રાતે 2 વાગ્યાનો રહેશે તથા સેક્ટર-1થી મોટેરા સ્ટેડિયમ માટે ટ્રેન ઉપડવાનો છેલ્લો સમય મધ્યરાત્રિએ 1 વાગ્યાનો રહેશે. આ નિર્ણય 26 સપ્ટેમ્બરથી અમલમાં આવશે, જે 1 ઓક્ટોબર સુધી લાગુ રહેશે. ઉલ્લેખનીય છે કે અમદાવાદ-ગાંધીનગર વચ્ચે પણ રાત્રે 2 વાગ્યા સુધી મેટ્રો ટ્રેન દોડાવવામાં આવશે. આ નિર્ણયથી ખેલૈયા અને ગરબાપ્રેમીઓમાં ખુશીની લહેર જોવા મળી છે.
નોંધનીય છે કે આ વર્ષે આ વર્ષે નવરાત્રિમાં મંડળી ગરબા સહિતના આયોજનોના કારણે મોડી રાત સુધી ગરબા રમવાની પરવાનગી આપી દેવાઈ છે. ખેલૈયાઓની અવરજવરના લીધે રાત્રે રસ્તા પર જાણે વાહનોનું કીડીયારું ઉભરાય છે. આ વર્ષે મોટા ભાગના ગરબાના આયોજનો રિંગરોડ પાસેના પાર્ટી પ્લોટમાં થઈ રહ્યા છે. ત્યારે રાત્રે શહેરી વિસ્તારમાંથી ગરબાના સ્થળ સુધી આવવા જવા માટે પરિવારોને સાધન નહીં મળતા તેઓ પરેશાન થઈ જાય છે. તેમજ રિક્ષા, ટેક્સીના તોતિંગ ભાડાંચૂકવવા પડે છે. પરિણામે રાત્રે 11 વાગ્યાના બદલે મોડી રાત એટલે બે-ત્રણ વાગ્યા સુધી મેટ્રોરેલ, એએમટીએસ અને બીઆરટીએસ બસ દોડાવવા ખેલૈયાઓમાંથી માંગ ઉઠી હતી.