ગુજરાતમાં કડકડતી ઠંડીની હવામાન વિભાગે કરી આગાહી
અમદાવાદઃ અરબી સમુદ્ર અને બંગાળના ઉપસાગરનો ભેજ આવવાના કારણે વાદળછાયું વાતાવરણ અને સામાન્ય વરસાદી છાંટા પડવાની શક્યતા છે. આ ઉપરાંત 15થી 17 ડિસેમ્બરના રોજ વાદળો આવી શકે છે અને ડિસેમ્બરના અંતમાં પણ હળવું માવઠું થવાની શક્યતા છે. પશ્ચિમ સૌરાષ્ટ્રના મોટાભાગના વિસ્તારોમાં લઘુત્તમ તાપમાન 20 અને મહત્તમ તાપમાન 30 ડિગ્રી રહે તેવી સંભાવના છે. ગુજરાતના ભાગોમાં ડિસેમ્બરની શરૂઆતમાં ઠંડા પવનો ફૂંકાશે... જેના કારણે 22 ડિસેમ્બરથી હાડ થીજવતી ઠંડી પડવાની શક્યતા છે.
ઠંડીના આ રાઉન્ડમાં ઉત્તર ગુજરાતના ઇડર, પાલનપુર, વાવ, થરાદ, કચ્છના નલિયા, માંડવી, મુદ્રામાં ખાસ 10 ડિગ્રીથી નીચું તાપમાન જાય તેવી શક્યતાઓ છે. સૌરાષ્ટ્રમાં પણ અમરેલી, જૂનાગઢ અને ઉના જેવા વિસ્તારોમાં તાપમાન ખૂબ નીચું જાય તેવી શક્યતાઓ વ્યક્ત કરાઈ છે. આ શિયાળામાં સૌથી વધારે ઠંડીની શરૂઆત આ રાઉન્ડથી થાય તેવી શક્યતાઓ છે.
હવામાન નિષ્ણાતના જણાવ્યા અનુસાર, અત્યારે મોટાભાગના વિસ્તારોમાં વાદળછાયું વાતાવરણ છે. દક્ષિણ ભારતના ભાગોને પ્રભાવિક કરેલા ફેંઝલ વાવાઝોડાની અસર વાદળ સ્વરૂપે જોવા મળી રહી છે. આ વાદળો 6-7 તારીખથી વિખાઈ જશે. અત્યારે ઉત્તર ભારતના પહાડી પ્રદેશો પરથી એક મજબૂત વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ પસાર થઈ રહ્યું છે. ત્યાં સારી એવી હિમવર્ષાની શરૂઆત થઈ ચૂકી છે. આવામાં ઉત્તર પૂર્વના પવનોના લીધે બર્ફીલા પવનો ગુજરાત સુધી આવે અને ઠંડીના રાઉન્ડ આવતા હોય છે. જેના કારણે 6-7 તારીખથી ઠંડીના રાઉન્ડની શરૂઆત થશે. આ રાઉન્ડમાં 10 ડિગ્રી કરતાં પણ નીચું તાપમાન જોવા મળશે. આ રાઉન્ડ ચાર-પાંચ દિવસનો હશે.