નકલી IAS બનીને મેહુલ શાહે એક સ્કુલ સંચાલકને પણ છેતર્યા હતા
- આરોપીની વાકછટાથી DEO પ્રભાવિત બન્યા હતા,
- આરોપીએ લાલચ આપીને સ્કુલમાં વિદ્યાર્થી પાસેથી પણ રૂપિયા ઉઘરાવ્યા હતા,
- આરોપી લાલ લાઈટની કાર લઈને સ્કુલમાં પહોંચીને રોફ જમાવતો હતો
અમદાવાદઃ પોતે આઈએએસ અધિકારી હોવાની ઓળખ આપીને લોકોને ઠગતા આરોપીની શહેર ક્રાઈમ બ્રાન્ચે ધરપકડ કર્યા બાદ અનેક લોકો સાથે ઠગાઈ કર્યાનું પ્રકાશમાં આવી રહ્યું છે. આરોપી મેહુલ શાહે કાર ભાડે મેળવીને કાર પર લાલ લાઈટ અને સાયરન લગાવ્યા હતા. બ્લેક કપડામાં બે બોડીગાર્ડને સાથે રાખતો હતો. અને પોતે આઈએએસ અધિકારી હોવાનું કહેતો હતો. આરોપીએ એક સ્કુલ સંચાલક સાથે પણ છેતરપિડી કરી હતી.
પોલીસ સૂત્રોના કહેવા મુજબ આરોપી મેહુલ શાહ નામના ઠગે અમદાવાદના પાલડી વિસ્તારમાં રહેતા અને ટ્રાવેલ્સનો વ્યવસાય કરતા વ્યક્તિને પોતાની ઓળખ આઈએએસ અધિકારી તરીકે આપીને સરકારી કામ માટે બે ઇનોવા ભાડે લીધી. ત્યારબાદ બોગસ લેટરના આધારે તેમાં સાયરન અને પડદા લગાવીને અનેક જગ્યાઓ પર ફરીને તોડ કર્યા. આટલેથી ઠગબાજની કરતૂતોનો અંત નથી આવતો 2 મહિના સુધી અસારવાની વિશ્વ વિદ્યાલય સ્કૂલમાં આવતો અને 35 કરોડમાં સ્કૂલ ખરીદવાની પણ ડીલ કરી હતી.
સૂત્રોએ વધુમાં જણાવ્યું હતું કે, મોરબીમાં રહેતા ઠગે અનેક લોકોને સરકારી નોકરી માટેનો અમદાવાદ જિલ્લા શિક્ષણાધિકારીનો ખોટો લેટર આપીને લાખો રુપિયા ખંખેરી લીધા. આ બાબતેની ફરિયાદ અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચમાં નોંધાતા ઠગ મેહુલ શાહની ધરપકડ કરાઇ હતી. મેહુલ શાહ બે મહિના સુધી અસારવાની વિશ્વ વિદ્યાલય સ્કૂલમાં આવતો હતો. લાલ બત્તીની ગાડીમાં સ્કૂલમાં આવીને સ્કૂલ ખરીદવાનો દાવો કરીને વિદ્યાર્થીઓ પાસેથી પ્રવાસના અને સ્પોર્ટ્સ એકેડેમી બનાવવાના બહાને પૈસા પડાવ્યા હતા. DEOને પણ પોતાની વાતોમાં ફસાવીને સ્કૂલમાં સન્માન સમારોહમાં બોલાવ્યા હતા. સ્કૂલને CBSE સ્કૂલ બનાવવા પણ દાવો કર્યો હતો. અસારવા વિસ્તારમાં આવેલી વિશ્વવિદ્યાલય સ્કૂલ જે ગ્રાન્ટેડ સ્કૂલ છે તે 35 કરોડમાં ખરીદવાની સ્કૂલના સંચાલકને ઓફર આપી હતી. આ ઓફર આપીને થોડો સમય સ્કૂલનું સંચાલન કરશે તેવું કહીને તે નિયમિત રીતે વિશ્વવિદ્યાલય સ્કૂલમાં આવતો હતો. આરોપી મેહુલ શાહ લાલબત્તીવાળી ઇનોવા ગાડી લઈને વિશ્વવિદ્યાલય સ્કૂલમાં આવતો હતો. તેની સાથે બે બાઉન્સર પણ રાખતો હતો જેથી લોકો તેનાથી પ્રભાવિત થતા હતા. 2 મહિના સુધી મેહુલ શાહ નિયમિત સ્કૂલમાં આવતો હતો. સ્કૂલમાં વિદ્યાર્થીઓ અને શિક્ષકોની વચ્ચે રહીને મોટી બડાશ મારતો હતો. મેહુલે સ્કૂલમાં લોકોને જણાવ્યું હતું કે, તેણે અમદાવાદમાં બીજી પણ એક સ્કૂલ 150 કરોડમાં ખરીદી છે. આ સ્કૂલને પણ તે આગામી સમયમાં આધુનિક સ્કૂલ બનાવશે. સ્કૂલના વિદ્યાર્થીઓ સાથે પ્રવૃત્તિઓમાં ભાગ લઈને વિદ્યાર્થીઓનો વિશ્વાસ જીતતો હતો. ત્યારબાદ પ્રવાસના નામે પ્રતિ વિદ્યાર્થી દીઠ તથા સ્કૂલમાં સ્પોર્ટ્સ એકેડેમી બનાવવાના નામે પ્રતિ વિદ્યાર્થી દીઠ રૂપિયા પડાવ્યા હતા. સ્કૂલમાં મેહુલે વિદ્યાર્થીઓનો સન્માન સમારોહ યોજાયો હતો. જેમાં મુખ્ય મહેમાન તરીકે અમદાવાદ શહેર જિલ્લા શિક્ષણ અધિકારી હાજર રહ્યા હતા.