નવરાત્રીમાં મેઘરાજા ખેલૈયાઓની મજા બગાડશે, ભારે વરસાદની કરાઈ આગાહી
અમદાવાદઃ 2025નું ચોમાસું અંતિમ ચરણમાં હોવા છતાં હવામાનમાં ફરી અસ્થિરતા સર્જાઈ છે. હવામાન નિષ્ણાતોના જણાવ્યા અનુસાર, બંગાળની ખાડીમાં સાઇકલોનિક સર્ક્યુલેશન ઊભું થયું છે, જેના કારણે ગુજરાતમાં નવરાત્રીના દિવસોમાં ભારે થી અતિભારે વરસાદ પડી શકે છે.
તેમણે જણાવ્યું કે આમ તો ઉત્તર ગુજરાત અને કચ્છમાંથી ચોમાસાની વિદાય થઈ ગઈ છે, પરંતુ ભેજવાળા પવનના કારણે ચોમાસું હજુ અટકી ગયું છે. છેલ્લા બે દિવસથી બંગાળની ખાડીની અસ્થિરતા કારણે રાજ્યના અનેક વિસ્તારોમાં વરસાદ નોંધાયો છે. સૌરાષ્ટ્ર સહિતના વિસ્તારોમાં છૂટોછવાયો વરસાદ પડ્યો છે અને આ પ્રવૃત્તિ 22 સપ્ટેમ્બર સુધી ચાલુ રહેશે.
તેમણે આગાહી કરતાં જણાવ્યું કે 22 સપ્ટેમ્બરથી નવરાત્રીની શરૂઆતમાં સામાન્ય વરસાદ થશે, પરંતુ છેલ્લા દિવસોમાં આ સિસ્ટમ ગુજરાત તરફ ખસી આવશે તો 28 સપ્ટેમ્બરથી 2 ઓક્ટોબર દરમિયાન રાજ્યમાં ભારે થી અતિભારે વરસાદની શક્યતા છે. આ સિસ્ટમ આંધ્રપ્રદેશ-મહારાષ્ટ્રમાંથી પસાર થઈ ગુજરાત પહોંચશે અને જો ટ્રેકમાં ફેરફાર નહીં થાય તો તેની સીધી અસર ગુજરાતના લગભગ 50 ટકા વિસ્તારમાં થશે.
આ વરસાદમાં ગાજવીજ સાથે પવન પણ તેજ રહેશે. લગભગ 35 થી 40 કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાશે, જેના કારણે ખેડૂતોને નુકસાન થવાની શક્યતા છે. ખાસ કરીને દક્ષિણ ગુજરાત, મધ્ય ગુજરાત અને સૌરાષ્ટ્રના વિસ્તારોમાં ચોમાસું હજુ સક્રિય રહેશે અને તેની વિદાય મોડું થશે.