જામનગરમાં મેગા ડિમોલેશન, મ્યુનિએ 50 વધુ ગેરકાયદે દુકાનો તોડી પાડી
- રૂપિયા 52 કરોડની સવા લાખ ફુટ જમીન પરના દબાણો હટાવાયા
- મ્યુનિની માલિકીની ટીપી સ્કીમ નંબર 1ના પ્લોટ નંબર 59 પર દબાણો કરાયા હતા,
- દબાણો હટાવવાની કાર્યવાહીમાં પોલીસનો બંદોબસ્ત ગોઠવાયો
જામનગરઃ શહેરના મહાપ્રભુજીની બેઠક પાસે આવેલી અંદાજે 52 કરોડ રૂપિયાની કિંમતની સવા લાખ ફૂટ જેટલી જગ્યાને ખુલ્લી કરાવવા માટે મ્યુનિ. કોર્પોરેશન દ્વારા મેગા ડીમોલેશન હાથ ધરવામાં આવ્યું હતું. અને ગેરકાયદે ખડકાયેલી 51 જેટલી દુકાનો તોડી પાડવામાં આવી હતી. આ કાર્યવાહી દરમિયાન લોકોના ટોળાં એકઠા થયા હતા. પોલીસનો ભારે બંદોબસ્ત રાખવામાં આવ્યો હતો. બાગ બગીચા માટે રિઝર્વ રખાયેલી જગ્યાને ખુલ્લી કરવામાં આવી હતી.
જામનગર મ્યુનિ.કોર્પોરેશન દ્વારા શહેરના મહાપ્રભુજીની બેઠક વિસ્તારમાં મેગા ડિમોલેશન હાથ ધરાયુ હતું. 51 જેટલી ગેરકાયદે દુકાનો પર બુલડોઝર ફેરવ્યું હતું. મ્યુનિની માલિકીની ટીપી સ્કીમ નંબર 1ના પ્લોટ નંબર 59 પર થયેલા દબાણો દૂર કરવામાં આવ્યા હતા.આ જમીન બાગબગીચા માટે અનામત રાખવામાં આવી હતી, જ્યાં છેલ્લા કેટલાક સમયથી 45થી વધુ કોમર્શિયલ દુકાનોનું દબાણ થયું હતું. કુલ 1.26 લાખ ચોરસ ફૂટ વિસ્તારમાં ફેલાયેલી આ જમીનની બજાર કિંમત આશરે 50 કરોડ રૂપિયા આંકવામાં આવી છે.
જામનગર મ્યુનિના સૂત્રોએ જણાવ્યું કે, ભવિષ્યમાં પણ મ્યુનિની માલિકીની જમીન પર થયેલા ગેરકાયદે બાંધકામો સામે કડક કાર્યવાહી કરવામાં આવશે. દબાણ હટાવ કાર્યવાહી દરમિયાન કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે DYSP જે.વી.ઝાલા, PI નિકુંજ ચાવડા સહિત એલસીબી સ્ટાફનો ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો. આ કાર્યવાહીથી મ્યુનિની કિંમતી જમીન મુક્ત થઈ છે, જેનો ઉપયોગ હવે મૂળ હેતુ મુજબ બાગબગીચા માટે કરી શકાશે. આ પગલું શહેરમાં ગેરકાયદે દબાણો સામે મ્યુનિની મક્કમ કાર્યવાહીનું ઉદાહરણ બન્યું છે.