ગાંધીનગરના પેથાપુર વિસ્તારમાં સરકારી જમીન પર ગેરકાયદે દબાણો સામે મેગા ડિમોલિશન
- ગુરૂવારે વહેલી સવારથી દબાણ હટાવવાનું મેગા અભિયાન,
- 10 JCB, 15 આઇવા ટ્રક, 700થી વધુ પોલીસકાફલો તહેનાત,
- અંદાજિત 1000 કરોડની એક લાખ ચોરસ મીટર જગ્યા ખુલ્લી કરાશે.
ગાંધીનગરઃ પાટનગર ગાંધીનગરના પેથાપુર વિસ્તારમાં GEB પાછળ નદીકિનારે સરકારી જમીન પર થયેલાં ગેરકાયદે 150થી વધુ દબાણોને દૂર કરવા માટે મ્યુનિ.કોર્પોરેશન દ્વારા આજે વહેલી સવારથી મેગા ઓપરેશન હાથ ધરવામાં આવ્યુ છે. દબાણો હટાવવાની કામગીરી માટે 10 JCB, 15 આઈવા ટ્રક અને 700થી વધુ પોલીસકર્મચારીઓનો કાફલો તહેનાત કરાયો હતો. આ મેગા ડિમોલિશન ડ્રાઈવમાં દબાણકર્તાઓનાં ગેરકાયદે બાંધકામો પર બુલડોઝર ફેરવી અંદાજિત 1000 કરોડની એક લાખ ચોરસ મીટર જગ્યા ખુલ્લી કરવામાં આવી છે.
ગાંધીનગરના પેથાપુર વિસ્તારમાં નદી કિનારે સરકારી જમીન પર મોટાપાયે થયેલા ગેરકાયદે દબાણો હટાવવા માટે આજે વહેલી સવારે 4 વાગ્યાથી આરએન્ડબી અને ગાંધીનગર કોર્પોરેશન દ્વારા મેગા ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતુ. સરકારી જમીનો ઉપર જે દબાણ થયાં હતા એને હટાવવા માટે લગભગ 20 ટીમોએ કામગીરી હાથ ધરી હતી. આ કામગીરી માટે 700થી વધુ પોલીસ અધિકારીઓ અને કર્મચારીઓ બંદોબસ્તમાં જોડાયા હતા. આ કાર્યવાહીનો હેતુ 1 લાખ સ્ક્વેર મીટરથી વધુ જમીનને દબાણમુક્ત કરવાનો છે. આ જમીનની કિંમત લગભગ 1000 કરોડ રૂપિયા હોવાનો અંદાજ છે.
ગાંધીનગર મ્યુનિના સૂત્રોએ જણાવ્યું હતું કે, પેથાપુરના નદી કિનારે સરકારી જમીન પરના દબાણો હટાવવા મેગા ઓપરેશન હાથ ધરવામાં આવ્યું છે. આ ડ્રાઈવમાં 150થી વધુ દબાણોને દૂર કરવામાં આવી રહ્યાં છે. ગાંધીનગર મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા અગાઉ આ દબાણકર્તાને ગેરકાયદે બાંધકામોના સંબંધમાં આધાર-પુરાવા રજૂ કરવા માટે નોટિસ પાઠવવામાં આવી હતી. 10 સપ્ટેમ્બરના રોજ આ દબાણકર્તાઓને સાત દિવસની અંદર બાંધકામના કાયદેસરતાના પુરાવા રજૂ કરવા માટે આખરી નોટિસ પણ ફટકારવામાં આવી હતી, જોકે નિર્ધારિત સમયમર્યાદા પૂરી થયા બાદ પણ દબાણકર્તાઓ દ્વારા કોઈ યોગ્ય પુરાવા રજૂ કરવામાં આવ્યા નહોતા. દબાણ હટાવ કામગીરી માટે 700 પોલીસકર્મચારીનો ચુસ્ત બંદોબસ્ત ફાળવવામાં આવ્યો હતો. દબાણ હટાવ કામગીરીમાં પોલીસ ઉપરાંત મ્યુનિસિપલ કોર્પોરેશનની એસ્ટેટ શાખા, દબાણ શાખા અને ટાઉન પ્લાનિંગ શાખાની ટીમ પણ આ કામગીરીમાં જોડાઈ હતી. ગેરકાયદે દબાણોને હટાવવા માટે 10 JCB અને 15 જેટલા ટ્રકની મદદ લેવામાં આવી હતી.