અમદાવાદમાં મેગા બ્રાહ્મણ બિઝનેસ સમિટ 15મી માર્ચથી યોજાશે
- મેગા સમિટમાં 300થી વધુ બ્રાહ્મણ ઉદ્યોકારો ભાગ લેશે
- બિન અનામત વર્ગ માટેની યોજનાઓની માહિતી આપવા ખાસ સેમિનારનું આયોજન
- નવા સ્ટાર્ટઅપ શરૂ કરનારા યુવાનોને માર્ગદર્શન અપાશે
અમદાવાદઃ શહેરમાં સમસ્ત ગુજરાત બ્રહ્મસમાજ (રાજ્યકક્ષા)ના ઉપક્રમે મેગા બ્રાહ્મણ બિઝનેસ સમિટ-4નું આગામી તા, 15થી 17 માર્ચ 2025 યોજાશે. શહેરમાં સાયન્સ સિટી વિજ્ઞાનભવન ખાતે ડો.યજ્ઞેશ દવેના સાનિધ્યમાં યોજાનારી સમિટમાં 300થી વધુ બ્રાહ્મણ ઉદ્યોગકારો ભાગ લેશે. બ્રહ્મસમાજની આ પહેલ 'સ્વ' નહીં પરંતુ 'સૌ'ના કલ્યાણના સિદ્ધાંત પર આધારિત છે. અગાઉની ત્રણ બિઝનેસ સમિટની સફળતા બાદ આ ચોથી સમિટનું આયોજન કરવામાં આવી રહ્યું છે.
અમદાવાદ શહેરમાં સાયન્સસિટી વિજ્ઞાનભવન ખાતે આગામી તા. 15મી માર્ચથી યોજાનારી ત્રિ દિવસીય સમિટમાં રાજ્યના તમામ જિલ્લાના જ્ઞાતિ મંડળો અને સંસ્થાઓ જોડાશે. કેન્દ્ર અને રાજ્ય સરકારની બિન અનામત વર્ગ માટેની યોજનાઓની માહિતી આપવા ખાસ સેમિનારનું આયોજન કરાશે. તેમજ નવા સ્ટાર્ટઅપ શરૂ કરનારા યુવાનોને માર્ગદર્શન આપવા માટે સફળ ઉદ્યોગપતિઓ હાજર રહેશે. અને પોતાના સ્વઅનુભવો અને સફળતાની માહિતી આપશે. સાથે જ નવા ઉદ્યોગસાહસિકોને વ્યવસાયમાં કઈ રીતે સફળ થવું તેનું માર્ગદર્શન આપશે. સમાજના સફળ ઉદ્યોગપતિઓ નવા ઉદ્યોગસાહસિકોને મદદરૂપ થવા માટે પ્રતિબદ્ધ છે.
મેગા બ્રાહ્મણ બિઝનેસ સમિટ-4ના મેળામાં 300 જેટલા ઉદ્યોગકારોના સ્ટોલ હશે સાથે સાથે બ્રાહ્મણ સિવાયના ઉદ્યોગકારોને પણ સ્થાન આપવામાં આવશે જેનો ઉદ્દેશ્ય બ્રહ્મસમાજના યુવાનોને રોજગારી આપવાનો હશે. આ સમિટમાં રોજગારી માટે માત્ર બ્રાહ્મણ યુવક અને યુવતીઓ ભાગ લઈ શકશે કારણ કે, આ બિઝનેસ સમિટનો ઉદ્દેશ્ય સમાજના યુવાનોને નોકરી અને રોજગાર મળી શકે તે માટેનો છે. જે પ્રમાણે અગાઉની ૩ બિઝનેસ સમિટનું ઉદ્ઘાટન સંતો અને મહંતો દ્વારા થયું હતું તે જ પ્રમાણે આ સમિટમાં પણ ગુજરાતના બ્રહ્મ સંતો અને મહંતો દ્વારા કરવામાં આવશે.
મેગા બ્રાહ્મણ બિઝનેસ સમિટ-4માં ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ તેમજ વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીને પણ આમંત્રણ આપવામાં આવશે. અગાઉની બિઝનેસ સમિટમાં તમામ સાશકપક્ષના નેતાગણ અને વિરોધપક્ષના નેતાગણ સૌને આમંત્રિત કરવામાં આવ્યા હતા. આ સમિટમાં સરકારી અધિકારીઓને સન્માનીત પણ કરવામાં આવશે. જે પણ સમાજના લોકોએ દેશ વિદેશમાં બ્રહ્મસમાજનું નામ રોશન કર્યું છે તેવા લોકોનું પણ સન્માન કરવામાં આવશે. બ્રાહ્મણોને એકબીજા સાથે જોડવાની પહેલ બ્રહ્મસમાજ દ્વારા 2018માં શરૂ થઈ અને અત્યારે 4 થી સમિટ દ્વારા આ પહેલને આગળ ધપાવવાનું કાર્ય સમાજ દ્વારા કરવામાં આવી રહ્યું છે. સમાજના વધુમાં વધુ લોકો આ સમિટનો લાભ લે તેવો આગ્રહ બ્રહ્મસમાજ દ્વારા કરવામાં આવ્યો હતો.
આ સમિટમાં મુલાકાતીઓ માટે નિઃશુલ્ક ભોજન વ્યવસ્થા પણ કરવામાં આવશે. બ્રાહ્મણ ઉદ્યોગકારોના સ્ટોલ પણ નોમિનલ કિંમતે આપવામાં આવશે. B2B અને B2C મિટિંગ પણ બ્રહ્મસમાજના ઉધ્યોગકારોની કરવામાં આવશે જેમાં પણ સમાજ મદદરૂપ થશે. જ્યારે કોઈ સમાજ દ્વારા આયોજન કરવામાં આવતું હોય ત્યારે એ સમાજના યુવકો અને યુવતીઓને અનુલક્ષીને તેમજ સમાજના છેવાડાના લોકો છે જેમની પાસે રોજગારી નથી અથવા જે રોજગારી કરી રહ્યા છે તેનાથી તેમના પરિવારનું ભરણપોષણ નથી કરી શકતા તેવા બ્રાહ્મણોને મદદરૂપ થવા માટે આ આયોજન કરવામાં આવેલ છે. ભગવાન પરશુરામજીની વિશ્વની સૌથી મોટી 101 ફૂટની મુર્તિનું અમદાવાદ અને ગાંધીનગર વચ્ચે નિર્માણ કરવામાં આવશે અને તે એક વર્ષના ટૂંક સમયમાં પૂર્ણ પણ કરવામાં આવશે.સમાજના યુવક-યુવતીઓ માટે નિશુલ્ક જીવનસાથી પસંદગી સંમેલન નું આયોજન 16 માર્ચ 2025ના રોજ કરવામાં આવ્યું છે.