ગુજરાતમાં માવઠું પીછો છોડતું નથી, હવે 12થી 18મી જાન્યુઆરી દરમિયાન માવઠાની આગાહી
- અંબાલાલ પટેલ કહે છે, માવઠું ઉત્તરાણની મજા બગાડશે
- માવઠાની સાથે તાપમાન ગગડતા ઠંડીમાં વધારો થશે
- જમ્મુ-કાશ્મીર અને હિમાચલમાં બરફ વર્ષા થશે
અમદાવાદઃ ગુજરાતમાં દિવાળી બાદ ત્રણથી ચાર વાર સમયાંતરે માવઠાનો માહોલ સર્જાયો હતો, વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ ગણો કે અન્ય કોઈ કારણોસર ગુજરાતમાં માવઠું પીછો છોડતું નથી. હવે જાણીતા હવામાનશાસ્ત્રી અંબાલાલ પટેલે આગાહી કરી છે કે, ગુજરાતમાં ફરીવાર તા. 12મી જાન્યુઆરીથી 18મી જાન્યુઆરી દરમિયાન માવઠાનો માહોલ સર્જાશે.ઉત્તરાણના સમયે માવઠું થાય તો પતંગરસિયાઓની મોજ પર પાણી ફરી વળી શકે છે. માવઠાની આગાહી સાથે સાથે રાજ્યમાં કડકડતી ઠંડીની પણ આગાહી કરવામાં આવી છે. ઉત્તર ભારતમાં જમ્મુ-કાશ્મીર, હિમાચલ પ્રદેશ સહિત પહાડી વિસ્તારોમાં બરફ વર્ષા થશે, તેના લીધે માવઠા સાથે જ કડકડતી ઠંડી લોકોને ધ્રૂજાવશે.
રાજ્યના હવામાન વિભાગના સૂત્રોના કહેવા મુજબ હાલ બે દિવસ ઠંડીમાં રાહત મળશે ત્યારબાદ તા. 5 જાન્યુઆરી 2025થી કડકડતી ઠંડીનો એક રાઉન્ડ શરૂ થવાની શક્યતાઓ છે. જે 15 જાન્યુઆરી સુધી એટલે કે લગભગ 11 થી 12 દિવસ સુધી ચાલુ રહેશે. જેમાં કેટલાક જિલ્લાઓમાં લાંબા ગાળા સુધી કોલ્ડવેવની પણ સંભાવના છે. આ ઉપરાંત એક જાન્યુઆરીથી છ જાન્યુઆરી સુધી ઉત્તર ગુજરાત, પૂર્વ ગુજરાત અને મધ્ય ગુજરાતના ભાગોમાં ઝાકળની પણ સંભાવના છે. જેથી ખેડૂતો માટે આ એક ચિંતાજનક બાબત થઈ શકે છે. કારણ કે જો ઝાકળવર્ષા વધુ માત્રામાં થાય તો શિયાળુ પાક જેવા કે ઘઉં, જીરું સહિતના પાકને નુકસાન પહોંચી શકે છે. તેમાં પણ જો ખેડૂતો દ્વારા પાકને પિયત કરવામાં આવ્યું હોય અને ઝાકળવર્ષા થાય તો ઊભો પાક નમી જતો હોય છે અને ભારે નુકસાન વેઠવું પડી શકે છે, જોકે વધુ માત્રામાં આ ઝાંકળવર્ષા રહેશે નહીં ફક્ત કેટલાક ભાગોમાં છૂટાછવાયા વિસ્તારોમાં ઝાકળ પડી શકે છે.
હવામાન વિભાગના સૂત્રોએ વધુમાં જણાવ્યુ હતું કે, આગામી પાંચ જાન્યુઆરી 2025થી ઠંડીના રાઉન્ડની શરૂઆત થશે જેમાં પવનની ગતિ 15 થી 20 કિલોમીટર પ્રતિ કલાકની રહી શકે છે. હાલમાં ગુજરાત પર ઉત્તર પૂર્વ દિશા તરફથી આવતા પવનોની ગતિ 7 થી 12 કિલોમીટર પ્રતિ કલાકની છે તથા પવનની દિશા પણ પૂર્વ તરફથી હોવાથી 4 જાન્યુઆરી 2025 સુધી મહત્તમ તાપમાનમાં બે થી ત્રણ ડિગ્રી સેલ્સિયસનો વધારો નોંધાઈ શકે છે પરંતુ મોટાભાગના જિલ્લાઓનું લઘુતમ તાપમાન યથાવત્ રહેવાની શક્યતાઓ છે. ઉલ્લેખનીય છે કે ઉત્તર ભારતમાં મજબૂત વેસ્ટન ડિસ્ટર્બન્સ લીધે ઉત્તર ભારતના ભાગોમાં આવતીકાલથી હિમવર્ષા થવાની પૂરેપૂરી શક્યતાઓ દર્શાવે છે તથા જ્યારે પણ ઉત્તર ભારતમાં હિમવર્ષા થાય તેના 48 થી 72 કલાકમાં ગુજરાત પર ઠંડીનું પ્રમાણ વધતું હોય છે તેથી આગામી 5 જાન્યુઆરીથી ભયંકર ઠંડીની શરૂઆત થશે જે સતત 10 થી 11 દિવસ સુધી ચાલી શકે છે એટલે કે ઉત્તરાયણ સુધી ઠંડીનું જોર વધવાની સંભાવના છે.
હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે જાન્યુઆરી માસમાં માવઠાની આગાહી વ્યક્ત કરી છે. જાન્યુઆરી માસમાં ગુજરાતના વાતાવરણમાં ભારે પલટો આવી શકે છે. આ ઉપરાંત ભારે પવન, કરા અને માવઠાની પણ શક્યતા છે. ખાસ કરીને ઉત્તર ભારતમાં હિમવર્ષાને કારણે ગુજરાતમાં ઠંડીનું પ્રમાણ વધી શકે છે. આગામી 4 થી 8 જાન્યુઆરી દરમિયાન ઉત્તર ગુજરાત તથા મધ્ય ગુજરાતના જિલ્લાઓમાં ઠંડીનું મોજું ફરી વળશે જેમાં મુખ્યત્વે પંચમહાલ સાબરકાંઠા સહિત ઉત્તર ગુજરાતના વિવિધ જિલ્લાઓનું લઘુતમ તાપમાન 8 ડિગ્રી સેલ્સિયસ સુધી પહોંચી શકે છે. આ ઉપરાંત કચ્છમાં પણ ઠંડીનું પ્રમાણ વધુ રહેશે અને નલિયામાં અત્યાર સુધીમાં નોંધાયેલા લઘુતમ તાપમાન કરતાં પણ ઓછું તાપમાન જઈ શકે છે.