મોરિશિયસના વડા પ્રધાન ડૉ. નવીન ચંદ્ર રામગુલામે અયોધ્યામાં શ્રીરામલલાના દર્શન કર્યા
અયોધ્યા : મોરિશિયસના વડા પ્રધાન ડૉ. નવીન ચંદ્ર રામગુલામે શુક્રવારે તેમના પરિવાર સાથે શ્રીરામજન્મભૂમિ પર બિરાજમાન શ્રીરામલલાના દિવ્ય દર્શન કર્યા હતા. આ અવસરે શ્રીરામ જન્મભૂમિ તીર્થ ટ્રસ્ટના મહાસચિવ ચંપત રાય, સભ્ય ડૉ. અનિલ મિશ્રા અને મંદિરના પ્રબંધન સંભાળતા ગોપાલ રાવે વડા પ્રધાન અને તેમની ધર્મપત્નીનું ભવ્ય સ્વાગત કર્યું હતું.
વડા પ્રધાનના પરિવાર સાથે આવેલા પ્રતિનિધિ મંડળે પણ શ્રીરામના દર્શન-પૂજન કર્યા અને આરતીમાં ભાગ લીધો હતો. બાદમાં મંદિર પરિસરમાં આવેલા ગ્રીન હાઉસમાં વડા પ્રધાને તેમની ટીમ, ટ્રસ્ટના અધિકારીઓ અને ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ સાથે મળીને રામમંદિરના નિર્માણની પ્રગતિનું ડિજિટલ અવલોકન કર્યું હતું.
આ દરમિયાન વડા પ્રધાને કુબેર ટીલાની મુલાકાત લઈને કુબેરેશ્વર મહાદેવનો જલાભિષેક પણ કર્યોં હતો. દર્શન અને પૂજન પૂર્ણ થયા બાદ ડૉ. રામગુલામનો કાફલો સુરક્ષા કવચ વચ્ચે મહર્ષિ વાલ્મીકી આંતરરાષ્ટ્રીય એરપોર્ટ પહોંચ્યો, જ્યાંથી તેઓ ભારતીય વાયુસેનાના વિશેષ વિમાન દ્વારા દેહરાદૂન પ્રસ્થાન કરી ગયા હતા.