વડોદરામાં કપુરાઈ ક્રોસ રોડ નજીક ભંગારના ગોદામમાં લાગી ભીષણ આગ
- ફાયરના જનાનોએ ત્રણ કલાકની જહેમત બાદ આગને કાબુમાં લીધી
- આગના બનાવમાં કોઈ જાનહાની નહીં
- ગોદામમાં ભંગારનો સામાન બળીને ખાક
વડોદરાઃ શહેર નજીક નેશનલ હાઇવે પર કપુરાઇ ચાર રસ્તા પાસે આવેલા વિરાટ એસ્ટેટ સ્થિત ભંગારના ગોડાઉનમાં આજે વહેલી સવારે આગ ફાટી નીકળી હતી. આ બનાવવાની જાણ ફાયર બ્રિગેડને કરવામાં આવતા ફાયરના જવાનો ઘટનાસ્થળે દોડી ગયા હતાં. ચારે બાજુથી પાણીનો મારો ચલાવી ત્રણ કલાકની જહેમત બાદ આગ ઉપર કાબુ મેળવ્યો હતો. આ ઘટનામાં કોઇ જાનહાનિ થઇ નથી.
આ બનાવની વિગતો એવી છે કે, શહેરના નેશનલ હાઈવે પર આવેલા કપુરાઇ ચાર રસ્તા પાસે વિરાટ એસ્ટેટમાં અલગ અલગ ભંગારના ગોદામ આવેલા છે. જે પૈકી પ્લાસ્ટિકના ભંગારના ખુલ્લા ગોડાઉનમાં આગ ફાટી નીકળી હતી. વહેલી સવારે 6:30 વાગ્યાના સુમારે આગ ફાટી નીકળી હતી. આ ઘટનાની જાણ ફાયર બ્રિગેડને કરવામાં આવતા પાણીગેટ ફાયર બિગેડના લાશ્કરો દોડી ગયા હતા અને ચારે બાજુથી પાણીનો મારો ચલાવીને આગને કાબુમાં લીધી હતી.
ફાયર બ્રિગેડના સૂત્રોએ જણાવ્યું હતું કે, આજે વહેલી સવારે 6:30 વાગ્યાના સુમારે ફાયર બ્રિગેડને આગની જાણ થતા સ્થળ પર દોડી ગયા હતાં. સૌ પ્રથમ આગને વધુ પ્રસારતા અટકાવવા માટે પાણી મારો ચલાવ્યો હતો. ત્યાર બાદ ખુલ્લા ગોડાઉનમાં પડેલા પ્લાસ્ટિકના ભંગારમાં લાગેલી આગ ઉપર પાણી મારો ચલાવીને આગ પર કાબુ મેળવ્યો હતો. આ ઘટનામાં કોઈ જાનહાની થઈ નથી. આગ પર કાબુ મેળવવા માટે ચારથી પાંચ જેટલા ફાયર ગાડીઓને કામે લગાવવામાં આવી હતી. સતત પાણીમારો ચલાવીને ત્રણ કલાકમાં આગ ઉપર કાબુ મેળવવામાં આવ્યો હતો. આ ઘટનામાં ભંગારનો તમામ સામાન બળીને ખાક થઈ ગયો છે. આગ કેવી રીતે લાગી તે કહેવું હાલ મુશ્કેલ છે. આગનું ચોક્કસ કારણ જાણવા માટે તપાસ શરૂ કરવામાં આવી છે.
સ્થાનિક રહિશોના કહેવા મુજબ આજે વહેલી સવારે લાગેલી આગના કારણે આસપાસના વિસ્તારમાં ધુમાડાના ગોટેગોટા ફરી વળ્યા હતા. નજીકના રહેણાક વિસ્તારોમાં આગના બનાવે ગભરાટ ફેલાવી દીધો હતો. જોકે, આ ગોડાઉનોથી રહેણાંક વિસ્તારોથી દૂર હોવાના કારણે લોકોએ રાહત અનુભવી હતી. પરંતુ ધુમાડાના ગોટેગોટાએ વિસ્તારમાં ભારે ગભરાટ ફેલાવી દીધો હતો.