સુરતના વેડરોડ પરના લૂમ્સના કારખાનામાં લાગી ભીષણ આગ, યુવાનનું રેસ્ક્યુ કરાયુ
- ફાયરના જવાનોએ ઓક્સિજન માસ્ક પહેરીને ત્રીજા માળે ફસાયેલા યુવકને બચાવ્યો
- 10 જેટલી ફાયર ગાડીઓએ સતત પાણીનો મારો ચલાવીને આગને કાબુમાં લીધી
- અસહ્ય ધૂમાડામાં ફાયર ફાયટરો ત્રીજા માળે બારીની ગ્રીલ કાપીને અંદર પ્રવેશ્યા
સુરતઃ શહેરના વેડરોડ વિસ્તારમાં આવેલા પટેલ ઇન્ડસ્ટ્રીયલ એસ્ટેટના 4 નંબરના લૂમ્સના કારખાનામાં ભીષણ આગ લાગતા અફડા-તફડી મચી ગઈ હતી. આગના ધૂમાડાનો જોઈને આજુબાજુના લોકો દોડી આવ્યા હતા. અને ફાયર બ્રિગેડને જાણ કરી હતી. ચાર ફાયર સ્ટેશનની 10 ગાડીઓ ઘટના સ્થળે દોડી ગઈ હતી. આગ બુઝાવવાની કામગીરી દરમિયાન ત્રીજા માળે ફસાયેલો યુવાન બચાવો બચાવોની બુમો પાડતો હતો, આગને લીધે ધૂમાડો એટલોબધો હતો કે, અંદર પ્રવેશ કરવો મુશ્કેલ હતો. દરમિયાન ફાયરના જવાનો ફાયટર પર સીડી મુકીને ઓક્સિજન માસ્ક પહેરીને ત્રીજા માળે પ્રવેશ્યા હતા. જ્યાં ત્રીજા માળની ગ્રીલ તોડીને અંદર પ્રવેશ કરીને આગમાં ફસાયેલા યુવાનું રેસ્ક્યુ કર્યું હતું.
આ બનાવની વિગત એવી છે કે, સુરત શહેરના વેડ રોડ વિસ્તારમાં આવેલા પટેલ ઇન્ડસ્ટ્રીયલ એસ્ટેટમાં ચાર નંબરનું લુમ્સનું કારખાનું આવેલું છે. લૂમ્સના આ કારખાનામાં આગ સૌપ્રથમ પહેલા માળે લાગી હતી, જે જોતજોતામાં બીજા અને ત્રીજા માળે પ્રસરી ગઈ હતી. આ ઘટનાની જાણ થતાં જ સુરત ફાયર વિભાગની ટીમો તુરંત ઘટનાસ્થળે દોડી ગઈ હતી. આગ પર કાબૂ મેળવવા માટે ચાર ફાયર સ્ટેશનની 10 જેટલી ફાયર ફાઈટર ગાડીઓ તૈનાત કરવામાં આવી હતી. ફાયર વિભાગના જવાનોએ સઘન અને ઝડપી કાર્યવાહી કરીને આશરે 45 મિનિટના સમયગાળામાં આગ પર સંપૂર્ણપણે કાબૂ મેળવ્યો હતો. જવાનોએ ઓક્સિજન માસ્ક પહેરીને આગ બુઝાવવાની કામગીરી કરી હતી. કારખાનાના ત્રીજા માળે ફસાયેલા એક યુવકને બચાવી લીધો હતો. કારખાનાના ત્રીજા માળે નોકરી પરથી આવીને સૂતેલો એક વ્યક્તિ આગના ધુમાડાને કારણે ફસાઈ ગયો હતો. યુવક સૂતો હતો, તે દરમિયાન જ ધુમાડો પહોંચી જવાના કારણે ગૂંગળામણ અનુભવી રહ્યો હતો.અને બચાવો બચાવોની બુમો પાડતો હતો.
ફાયર વિભાગના જવાનોએ તુરંત જ ત્રીજા માળ સુધી પહોંચીને, બારીની ગ્રીલ તોડીને, ફસાયેલા યુવકને સુરક્ષિત બહાર કાઢ્યો હતો. રેસ્ક્યુ કરાયેલા વ્યક્તિને બાદમાં સીડીની મદદથી સુરક્ષિત રીતે નીચે ઉતારવામાં આવ્યો હતો. સદનસીબે, સમયસર કાર્યવાહી થવાથી મોટી જાનહાનિ ટળી હતી. આગ લાગવાનું ચોક્કસ કારણ જાણવા માટે ફાયર વિભાગ દ્વારા વધુ તપાસ હાથ ધરવામાં આવી છે. હાલ તો આગ શોર્ટ સર્કિટના કારણે લાગી હોવાની શક્યતા દર્શાવવામાં આવી રહી છે.