ઉત્તર ચીનમાં નર્સિંગ હોમમાં ભીષણ આગ, 20 લોકોના મોત
ઉત્તર ચીનના હેબેઈ પ્રાંતમાં એક નર્સિંગ હોમમાં આગ લાગવાથી ઓછામાં ઓછા 20 લોકોના મોત થયા છે, એમ સ્થાનિક અધિકારીઓએ બુધવારે જણાવ્યું હતું. મંગળવારે રાત્રે લગભગ 9 વાગ્યે ચેંગડે શહેરના લોંગહુઆ કાઉન્ટીમાં આગ લાગી હતી. બુધવારે સવારે 3 વાગ્યા સુધીમાં કુલ 20 લોકોના મોતની પુષ્ટિ થઈ હતી. અધિકારીઓનું કહેવું છે કે, આગ લાગવાના કારણની તપાસ કરવામાં આવી રહી છે.
ચીનની સરકારી સમાચાર એજન્સી શિન્હુઆ અનુસાર, નર્સિંગ હોમમાં આગ લાગ્યા બાદ બચાવી લેવામાં આવેલા લોકોને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. અધિકારીઓએ ઘાયલ થયેલા લોકોની સંખ્યા જાહેર કરી નથી.
ઉલ્લેખનીય છે કે, 19 વર્ષ પહેલા ચીનમાં પણ આવી જ એક દુર્ઘટના બની હતી. શિન્હુઆના અહેવાલ મુજબ, ઉત્તરપૂર્વીય ચીનમાં ચાર માળની હોસ્પિટલમાં આગ લાગવાથી બચવા માટે હજારો દર્દીઓએ બારીઓમાંથી કૂદી પડ્યા હતા. આ સમયગાળા દરમિયાન ઓછામાં ઓછા 39 લોકો માર્યા ગયા.